વડાપ્રધાનની પહેલ પર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના વિશે જાગૃતિ વધારવા અને જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 07મી માર્ચ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પાંચમાં જન ઔષધિ દિવસ " જન ઔષધિ સસ્તી પણ , સારી પણ "ની થીમ સાથે ઉજવવામાં આવનાર છે. જનઔષધિ જન ચેતના અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણીના માર્ગદર્શનમાં જિલ્લામાં 01 માર્ચ 2023થી 07 માર્ચ 2023 સુધી એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરથી લુણેશ્વર ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર સુધી રેલીને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી.આર. પટેલ સહિત આરોગ્ય અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરતી ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનામાં પોસાય તેવા ભાવે પૂરી પાડવામાં આવે છે. મહત્તમ લોકો જરૂરિયાત સમયે આ યોજનાનો લાભ લઈ જન ઔષધિ કેન્દ્ર પરથી જેનેરીક દવાઓ ખરીદતા થાય તેવા આશયથી જન ઔષધિ જન ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોમાં અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા 50% ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા 80થી 90% જેટલી સસ્તી હોય છે. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તબીબો અને કર્મચારીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.