મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો તેમજ ખુલ્લા ઢાંકણ છે. જેથી સ્થાનિકોને સતત અકસ્માતનો ડર સતાવે છે. તેવામાં આજે વરધરી રોડ પર ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકામાં જાણ કરાતા પાલિકાના ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગાયનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.
લુણાવાડા શહેરમાં અનેક એવા વિસ્તારો છે, કે જ્યાં ગટરો ખુલ્લી છે તો કેટલીક જગ્યાઓ પર ગટરના ઢાંકના ખુલ્લા છે. તો અમુક જગ્યાઓ પર ઢાંકણ તૂટેલી અવસ્થામાં છે. જેથી સતત સ્થાનિક રહીશો અને રાહદારી, વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોની માગ છે કે, આવી ખુલ્લી ગટરોને વહેલી તકે ઢાંકવામાં આવે તેમજ તૂટેલી ગટરો અને ઢાંકણને વહેલી તકે રીપેર કરવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત ન સર્જાય.
લુણાવાડા શહેરમાં આગાઉ પણ અનેક જગ્યાઓ પર ખુલ્લી ગટરોમાં પશુઓ પડી જવાની ઘટના બની ચુકી છે. થોડા સમય અગાઉ શહેરની પ્રણામી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી. જેને સ્થાનિક લોકોએ બહાર કાઢી હતી. ત્યારે શહેરમાં અવાર નવાર આવા બનાવો બનતા રહે છે. તો વહેલી તકે પાલિકા તંત્ર ખુલ્લી ગટરોને યોગ્ય ઢાંકે અને તૂટેલા ઢાંકણને નવા નાખે તેવી લોકમાગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.