ખેડૂતોની ચિંતામાં વધારો:મહીસાગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો; જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડ્યું

મહિસાગર (લુણાવાડા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. ત્યારે આજે શનિવારે વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડ્યું અને રોડ રસ્તા ભીના થયા છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારે હવામાનમાં પલટો આવતા ખેડૂત ચૉક્ક્સથી ચિંતિત બન્યો છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતમાં ચિંતા વ્યાપી છે. તો બીજી બાજુ ખેતરોમાં તેમજ આંબા વાળીયામાં રહેલા આંબા પરના મોરને પણ નુકસાન જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. તેમજ આકાશમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે કમોસમી ઝાપટું પડ્યું છે. ત્યારે ત્રેવડી ઋતુના અનુભવ વચ્ચે હાલ વાતાવરણ ઠંડુ બન્યું છે. જ્યારે બપોરે ગરમી અને સાંજ બાદ ઠંડીથી રોગચાળો વકરવાની શક્યતા છે.

મહીસાગર જિલ્લામાં મોટા ભાગે ખેતરોમાં ઘઉં, ચણા, બાજરી, મકાઈ, દિવેલા, વરીયાળી, રાયડો સહિત પશુધન માટેનોં ધાસચારો તેમજ ખેતરોમાં ઉભો પાક છે. તેવામાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ વાતાવરણમાં પલટો સર્જાતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે વાદળછાયા વાતાવરણના પગલે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈ અને ખેડૂતોને કાળજી રાખવા માટે ગતરોજ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલો હોવાથી તા. 04/03/2023થી 06/03/2023 દરમિયાન વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ.

વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, ચણા, ઘઉં, મકાઇ, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- 18001801551 પર સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મહીસાગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...