દીવડાકોલોની થી લુણાવાડા તરફ જતા માર્ગ ઉપર આવેલા 80 જેટલાં સુકા જોખમી વૃક્ષોથી રહેદારીઓમા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. છેલ્લા 3 વર્ષમાં જોખમી વૃક્ષોથી 5ના મોત અને 12 વ્યક્તિને ઇજા થઇ છે. ત્યારે અાવા જોખમી વૃક્ષોને હટાવવા માર્ગ પરના 50 ગામના ગ્રામજનો તથા સરપંચોઅે ઉગ્ર માંગ કરી હતી.
લુણાવાડા થી કડાણા તાલુકા ના દીવડાકોલોની નવો માર્ગ બન્યાને બે વર્ષ વીત્યા બાદ પણ રસ્તાની બન્ને બાજુ આવેલા 80 જેટલાં સુકા અને જોખમી વૃક્ષો દુર કરવામાં માર્ગ અને મકાન વિભાગ સાથે વન વિભાગ નિષ્ફળ દેખાય રહ્યું છે. કડાણા તાલુકામા આવેલા 50 ગામના 5 હજારથી વધુ ગ્રામજનો તેમના વાહન લઇને અને ચાલતા રોજ પસાર થાય છે.
માર્ગની બન્ને તરફ આવેલા સુકા વૃક્ષો નીચેથી પસાર થતાં વાહન ચાલકો અને વટે માર્ગુઅો માથે આ સુકા વૃક્ષોનું ઝુલતું જોખમ ભયનો માહોલ સર્જ છે. આ માર્ગ બન્યા બાદ મલેકપુર થી દીવડાકોલોની સુધી 800 જેટલાં નડતર રૂપ લીલા અને સુકા વૃક્ષો કટિંગ માટે પાછલા કેટલાય સમયથી કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ સુકા ભેગું લીલું બાળવાના ઈરાદે ખરેખર જોખમી સુકા વૃક્ષોનું નિકંદન પાછલા કેટલાક સમયથી ટલ્લે ચઢાવી દેવાયું છે. આ માર્ગ ઉપર આવેલા સુકા વૃક્ષો જે ગમે ત્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવી વાહનચાલકોના જીવ જોખમમાં મૂકી શકે છે. ભૂતકાળમાં આ સુકા વૃક્ષો ઉપરથી ડાળીઓ પડવાથી 12 રાહદારીઓને ઇજાઅો અને 5 ગ્રામજનોના ડાળીઅો પડવાથી મૃત્યુ થયા છે.
છતાં જોખમી વૃક્ષો દુર કરવામાં ઉદાસીનતા દાખવી છે. માર્ગ પર 50 ગામના ગ્રામજનો દ્વારા માર્ગ પરના જોખમી વૃક્ષોને હટાવવાની અેક સાથે માંગ કરી હતી. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગણી ઉચ્ચારી છે. જયારે આવી બાબતમા કાયદાની જોગવાય (CRPC) કોડ 133 (D) મુજબ મેજિસ્ટ્રેટ પોતાની સત્તાનો ઉપયોગ કરી રાહદારીઓ માટે જોખમી અને અકસ્માતનું સર્જન કરે તેવા વૃક્ષો દુર કરવા માટે તાત્કાલિક હુકમ કરી અકસ્માત ટાળી શકે છે.
CRPC મુજબ જોખમી વૃક્ષો કાપવાનો અાદેશ કરી શકે છે
કાયદાની જોગવાય CRPC 133(D) મુજબ કોઈ મકાન તબ્બુ કે બાંધકામ કે કોઈપણ ઝાડ એવી સ્થિતિમાં હોય કે જે પડી જવાની શક્યતા હોય અને પડી જાય તો ત્યાંથી પસાર થતાં રહેદારીઓને ઈજા થવાની શક્યતા હોય તો તે માટે તે ઝાડ ને કાપી નાખવાનું કે તેને ટેકો આપવાની જરૂર હોય ત્યારે મેજિસ્ટ્રેટ એવી રીતે અડચણ ઉભી કરનારને કે ત્રાસદાયક ઝાડને દુર કરવા શરતી હુકમ કરી જીવ અકસ્માત ટાળવા આદેશ કરી શકે છે : રાજેંદ્રસિંહ પરમાર, વકીલ કડાણા
ટૂંક સમયમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં અાવશે
લુણાવાડાથી દિવડા કોલોની સુધીના માર્ગ પરના જોખમી વૃક્ષો હટાવવાની રજુઅાત અાવી છે. ટુક સમયમાં આ પ્રક્રિયા શરુ કરી આ જર્જરીત વૃક્ષો દુર કરવામાં આવશે: સંજયભાઈ સેનવા, આરએફઓ કડાણા
તમામ ગ્રામજનોએ ભેગા થઇ ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઅાત કરી છે
પાછલા ત્રણ વર્ષમાં માર્ગ પર જર્જરીત વૃક્ષો ઉપરથી ડાળીઓ પડવાથી પાંચ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જયારે 12 જેટલાં લોકોને અહિયાંથી પસાર થતી વેળાએ ઈજાગ્રસ્ત પણ થયા હતા. જોખમી વૃક્ષો હટાવવા અનેકવાર રજુઅાત કરવા છતાં કોઇ કાર્યવાહી કરી નથી. તમામ ગ્રામજનો ભેગા મળીને ઉચ્ચ અધીકારીને લેખીત રજુઅાત કરી છે. અા માર્ગ પરથી 50 ગામના લોકો પસાર થયા છે. તો વહેલીતકે જોખમી વૃક્ષો હટાવે તેવી માંગ છે:ભગવતભાઈ ખાંટ, સરપંચ, કાઝળી ગામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.