પોલીસની સરાહનીય કામગીરી:લુણાવાડામાં 7 વર્ષનો માસુમ બાળક મળી આવ્યો; વાલી વારસને ગણતરીના કલાકોમાં શોધી કાઢી બાળકને પરત સોંપ્યો

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક મહીસાગર તથા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગ તરફથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ રાખવા સૂચનાના અનુસંધાને લુણાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર એમ.ડી.સાળુંકે દ્વારા પોલીસ સબ ઇસ્પેક્ટર એસ.બી.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી પેટ્રોલિંગમાં રહેવા માટે સૂચના આપી હતી. જે અનુસંધાને તેઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લુણાવાડા બસ સ્ટેશન પાસે રોડ ઉપરથી આશરે 7 વર્ષની ઉંમરનો બાળક રડતી હાલતમાં મળી આવતા તેને પૂછપરછ કરતા તેને તેનું નામ રાજુ હોવાનું અને ઇડર રહેતો હોવાનું જણાવ્યું હતું. તે ભૂલો પડી ગયો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. જેથી તરત પોલીસે આ બાળકનો કબજો સંભાળી લઈ તેને લુણાવાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને PI એમ.ડી સાળુંકે તથા પ્રો PI બી.આર. ગૌડની હાજરીમાં બાળક પાસેથી તેના વાલી વારસ તથા રહેઠાણ બાબતે માહિતી મેળવવા પ્રયત્નો કરતા, પુરા નામ સરનામાં મળ્યા ન હતા. જેથી PIની સૂચના મુજબ બાળકના વાલી શોધવા માટે બે ટિમો બનાવવામાં આવી હતી.

પોલીસે બે ટિમો બનાવી તાપસ હાથ ધરી હતી
પોલીસ દ્વારા બાળકના વાલી વારસને શોધવા માટે અલગ અલગ બે ટિમો બનાવવામાં આવી હતી. જેમાં PI એમ.ડી.સાળુંકે, પ્રો.PI બી.આર. ગૌડ તથા PSI એસ.બી. ઝાલા, ASI વિજયસિંહ, મહેન્દ્રસિંહ, ભૂપતસિંહ, રાજપાલસિંહ, રાહુલકુમાર, મનીષભાઈ તથા જી.આર.ડી. સભ્ય અશ્વિનભાઈ અને મનીષભાઈ એમ ટીમ બનાવી મળી આવેલા બાળકના વાલી વારસાની તપાસ શરૂ કરી હતી. જેમાં એક ટીમને CCTV ફૂટેજ આધારે તપાસ કરવા તથા બીજી ટીમને મળી આવેલા બાળકને સાથે રાખી તપાસ કરવા સૂચના આપી હતી. જે દરમિયાન પ્રો.PI બી.આર. ગૌડ દ્વારા આ બાળકને સાથે રાખી પાનમ નદી પાસે તથા કોટેજ ચાર રસ્તા પાસે શ્રમજીવી માણસોના રહેણાંક હોય તે વિસ્તારમાં તપાસ કરતા આ બાળકના પિતા રાકેશ રામુભાઈ સલાટ કોટેજ હોસ્પિટલ પાછળ સલાટ ફળિયું લુણાવાડા તથા બાળકના દાદી કાન્તાબેન રામુભાઈ કાળુભાઇ સલાટ મળી આવતા ખાત્રીલાયક તપાસ કરી બાળક રમતા રમતા ઘરેથી નીકળી ગયો હોવાનું જાણવા મળતા તેઓને પોલીસે પરત સોંપ્યું હતું.

બાળકને તેના વાલી વારસા સાથે મીલાપ કરાવવામાં સફળતા મેળવી
આમ, લુણાવાડા પોલીસે રોડ ઉપરથી ભુલા પડેલા અને પોતાનું પૂરું નામ સરનામું નહિ જણાવી શકતા 7 વર્ષના માસુમ બાળકને તેના વાલી વારસા સાથે મીલાપ કરાવવામાં સફળતા મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...