ધોધમાર વરસાદ વચ્ચે વિઘ્નહર્તાની વિદાય:લુણાવાડામાં 33 મોટી અને 200થી વધુ નાની પ્રતિમાઓનું વાસિયા તળાવ ખાતે વિસર્જન કરાયું

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા

ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુમ જલ્દી આઓ ના નારા સાથે ગત રોજ વહેલી સવારથી રાત્રી સુધી લુણાવાડા નગરમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસજર્ન કરવામાં આવ્યું હતું. સવારથી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગણેશ ભક્તો પોતાના ઘરે સ્થાપન કરાયેલ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે વાસીયા તળાવ ખાતે પહોંચ્યા હતા. બપોર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરાયેલ ગણપતિજીની મોટી મૂર્તિઓનું વિસર્જન શરૂ થયું હતું.

પગણપતિ પંડાલથી ઢોલ નગારા અને ડી.જે.ની રમઝટ સાથે શ્રીજીની સવારી નીકળી હતી. જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી વાસીયા દરવાજા ખાતે વિસર્જન સ્થળ તળાવ પર પહોંચી હતી. ત્યારે શહેરમાં સવારથી જ ભારે ઉકળાટ અને બફારો અનુભવાય રહ્યો હતો. જેથી શોભાયાત્રામાં ભક્તોને ખૂબ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સાંજ થતાં જ અચાનક મેઘરાજા જાણે ગણપતિજીને જિલણાં કરાવવા આવ્યાં હોય તેમ ભારે પવન અને ગાજ બીજ સાથે ધોધમાર વરસી રહ્યા હતા.

અંદાજીત 1 કલાક સુધીમાં ધોધમાર 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આખા દિવસથી ગરમીમાં કંટાળી ગયેલા ભક્તોમાં ધોધમાર વરસાદ વરસતા ખુશી જોવા મળી હતી અને વરસતા વરસાદમાં લોકોએ ડી.જે.ના તાલે નાચગાન પણ શરૂ રાખ્યું જતું અને આ રીતે બપોરથી શોભાયાત્રા સાથે નીકળેલ યાત્રા એક પછી એક તળાવ ખાતે પોહચી હતી અને રાત્રે અંદાજીત 9 વાગ્યા સુધી ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે વિસર્જન નિર્વિઘ્ને સંપન્ન થયું હતું.

અગલે બરસ તુમ બાપ્પા જલ્દી આના ના નારા સાથે ભાવિ ભક્તોએ બપ્પને ભાવવિભોર વિદાય આપી હતી. વરસાદની વાત કરવામાં આવે તો આખા દિવસથી ભારે ગરમી અને ઉકળાટ હતો, ત્યારે બાદ સાંજના સમયે એકાએક ધોધમાર વરસાદ પડ્યો અને માત્ર એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...