મહિસાગર જિલ્લા સહિત લુણાવાડા શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળામાં વધારો થતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની રોગચાળો ફેલાતો અટકે તે માટે કામગીરી કરી રહ્યું છે. ત્યારે જિલ્લા મેલેરીયા શાખાના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય કચેરી લુણાવાડાના નિરીક્ષણ હેઠળ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને પાણીજન્ય તેમજ વાહક જન્ય રોગ અંગેનો સર્વે હાથ ધરાયો છે.
શહેરના તમામ વિસ્તારમાં આરોગ્યની ટીમ કાર્યરત કરવામાં આવી
આ સર્વે કામગીરીમાં પુરુષ આરોગ્ય કાર્યકરની ટીમ દ્વારા લુણાવાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રતિનિયુક્ત કરેલા પુરુષ આરોગ્ય કાર્યકરની કુલ 16 ટીમ બનાવીને લુણાવાડા નગરના વિવિધ વિસ્તાર કડીયાવાડ, સિંધી કોલોની, નગર વાડા, નળા વિસ્તાર, કોટેલ ચોકડી વિસ્તાર, મારવાડી વાસ, મોડાસા રોડ, ગોધરા રોડ પરના મકાનો સહિત શહેરની અનેક સોસાયટી અને મોહલ્લામાં જઈને લોહીના નમુના એકત્રીકરણ કરવાની કામગીરી તેમજ પોરાનાશક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે પાણીજન્ય અને વાહક જન્ય રોગોથી કઈ રીતે બચી શકાય અને તેનાથી બચવા શું કરવું જોઈએ. કઈ-કઈ વાતની કાળજી લેવી સહિત સ્વચ્છતા લાવવા અંગેની જનજાગૃતિ માટેની માહિતી પુરુષ આરોગ કાર્યકરની ટીમ દ્વારા આપવામાં આવી હતી.
સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના તબીબ ડૉ.ચિરાગ ભાઈ તેમજ આયુષ તબીબ ડો.કલ્પેશ એમ સુથાર તથા ડૉ.આકાંક્ષા ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.