મહીસાગરના લુણાવાડા શહેરના ટેકરી ફળિયા વિસ્તારમાં રહેતો ક્રિશ પગી પોતાના હાથે અવનવી દેવી- દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. કાળી માટી લાવીને એમાંથી તે કોઈપણ પ્રકારનાં ફર્મા કે બીબાં વગર જ પોતાના હાથે મૂર્તિ બનાવે છે અને તેની બનાવેલી મૂર્તિ કોઈ અનુભવી મૂર્તિકાર કરતાં જરાય ઊણી ઊતરતી નથી હોતી. દશામાંના વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ક્રિશ દ્વારા બનાવવામાં આવેલી કાળી માટીની ઇકો ફ્રેન્ડલી દશામાંની મૂર્તિ આકર્ષણ જમાવી રહી છે.
ધોરણ 10માં અભ્યાસ કરતો ક્રિશ માટીમાંથી આબેહૂબ બનાવે છે મૂર્તિ
ક્રિશ રાજુભાઇ પગી નામનો બાળ કલાકાર ધોરણ 10માં અભ્યાસ કરે છે. દસમા ધોરણમાં અભ્યાસ કરતો હોવાથી તેને અભ્યાસમાંથી વધારે સમય મળતો નથી, પરંતુ જ્યારે તે નવરાશના સમયમાં હોય કે શનિ-રવિએ રજાનો દિવસ હોય ત્યારે તે ભણતરની સાથે સાથે પોતાની કળાને માટીમાં કંડારીને આબેહૂબ મૂર્તિકારની જેમ મૂર્તિ બનાવે છે.
નાનપણથી ચિત્રકળાની સાથે મૂર્તિકલા વિકસી
ક્રિશ વિશે વાત કરીએ તો તેના પરિવારના જણાવ્યા પ્રમાણે, નાનપણથી તેને ચિત્ર કળામાં રુચિ હતી. તે પ્રથમ પોતાની નોટબુકમાં ચિત્રો દોરતો હતો અને નાનપણમાં માટીમાં રમતાં-રમતાં તે માટીમાંથી વિવિધ રમકડાં ને વસ્તુઓ બનાવતો હતો. જેમ-જેમ તે મોટો થવા લાગ્યો તેમ તેમ તેની આ કળા વિકસતી ગઈ અને હવે તે માટીમાંથી અદ્ભુત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતો થયો.
દરેક ભગવાનની મૂર્તિઓ બનાવી શકે છે
અત્યારે તે અલગ અલગ કૃષ્ણ ભગવાન, મહાદેવ, અંબે માતા, ખોડિયાર માતા, ગણપતિ દાદા અને દશામાંની અને વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. તેની મૂર્તિઓ બનાવવાની વાત ધીરે ધીરે આસપાસના વિસ્તારમાં પ્રસરી. જેથી દશા માતાના વ્રત અને ગણપતિ મહોત્સવ માટે લુણાવાડાના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો તેની પાસે મૂર્તિ બનાવડાવે છે અને તેની મૂર્તિ લોકોને ખૂબ પસંદ પણ આવે છે, કેમ કે તે માટીમાંથી મૂર્તિ બનાવે છે. જેથી તે પર્યાવરણને નુકસાન કરતી નથી, ક્રિશ લોકોની પસંદગી પ્રમાણે પણ ફોટો કે મોબાઈલમાં જોઈને મૂર્તિ બનાવી આપે છે.
મૂર્તિ માટે જાતે લાવે છે માટી અને જળરંગોથી રંગી જાતે જ કરે છે શણગાર
ક્રિશ રજાના સમયે અથવા શાળામાંથી ઘરે આવીને તેના ઘરની પાસે આવેલા કંકા તળાવ કિનારેથી જાતે ખોદીને કાળી માટી ઘરે લાવે છે. તેને પાણીમાં પલાળીને તેને ગુંદીને તૈયાર કરે છે. ત્યારે બાદ તે મૂર્તિ બનાવવા બેસી જાય છે. પ્રથમ તે મૂર્તિ માટેનો પાટલો તૈયાર કરીને પોતાના હાથની કળાથી અલગ અલગ ભાગ બનાવીને તેને પાણી વડે ચોંટાડે છે અને જોતજોતાંમાં માટીમાંથી મૂર્તિ આકાર લઈ લે છે અને માત્ર દોઢથી બે કલાકના સમયમાં તે મૂર્તિને બનાવી દે છે, પછી તેને સૂકવવા મૂકી દે છે. પછી સમય મળે એ મુજબ તેને વોટર કલરથી પેઇન્ટિંગ કરે છે અને ત્યાર બાદ શણગાર કરીને આકર્ષક મૂર્તિ શણગાર સાથે તૈયાર કરી દે છે. આવા બાળ કલાકારની આવી મૂર્તિ કળા જોઈ તમે પણ ચકિત થઈ જશો.
ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણપ્રેમીઓની પ્રથમ પસંદ
ક્રિશની બનાવેલી મૂર્તિ કાળી માટીની હોઈ છે, જે પર્યાવરણને નુકસાન કરતી નથી. ધાર્મિક ઉત્સવ પૂરો થતાં શ્રદ્ધાળુઓ દ્વારા તેને નદી કે તળાવમાં વિસર્જિત કર્યા બાદ એમાંથી પ્રદૂષણ ફેલાવવાનો ડર રહેતો નથી. ત્યારે બજારમાં મળતી મૂર્તિઓ ખાસ કરીને પ્લાસ્ટ ઓફ પેરિસથી બનેલી હોઈ છે, જે પાણીમાં જલદી ઓગળતી નથી અને ઓગળ્યા બાદ પણ એ પાણીને પ્રદૂષિત કરે છે ત્યારે આવા બાળ કલાકારની બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણને પણ નુકસાન ન કરતી હોવાથી પર્યાવરણપ્રેમીઓને એ વધારે પસંદ આવે એવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.