મચ્છરજન્ય રોગ વધતાં તંત્ર બન્યું સતર્ક:લુણાવાડા નગરમાં અર્બન હેલ્થ સેન્ટરની 10 આરોગ્ય ટીમ તૈયાર, સફાઈ અને દવા છંટકાવની કામગીરી કામગીરી હાથ ધરાઇ

મહિસાગર (લુણાવાડા)17 દિવસ પહેલા

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના પગલે મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યા વધતાં તંત્ર સતર્ક બની રોગને અટકાવવા માટે સફાઈ અને દવા છંટકાવની કામગીરી કરી રહ્યું છે. તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા રોગ અટકાયતી પગલાંના ભાગરૂપે પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.

જનસમુદાયને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવ્યું
લુણાવાડા નગરમાં અર્બન હેલ્થ સેન્ટરની 10 આરોગ્ય ટીમ દ્વારા પોરાનાશક મચ્છરનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મેલેરીયા પરીક્ષણ માટે દર્દીઓના લોહીના નમુના એકત્રિત કરવામાં આવ્યા છે. નાના ખાડા ખાબોચિયામાં ઓઈલ બોલ કે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. મચ્છરથી ફેલાતા રોગો મેલેરીયા, ડેન્ગયુ, ચિકનગુનીયાથી બચવા માટે સ્વબચાવના ઉપાયો અંગે જનસમુદાયને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. લોકોને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા લેવાના થતાં પગલાં વિશે આરોગ્ય શિક્ષણ સહિતની કામગીરી કરવામાં આવી છે.

નગરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાઇ કામગીરી
આ કામગીરી અંતર્ગત લુણાવાડા નગરમાં ઇન્દિરા ગ્રાઉન્ડ, શુભેચ્છા હોસ્પિટલની પાછળનો વિસ્તાર, કોટેજ હોસ્પિટલ કમ્પાઉન્ડ, રાધાકૃષ્ણ સોસાયટી જેસીંગપુર વિસ્તાર, રણછોડ પાર્ક વિસ્તાર તેમજ કડીયાવાડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરના આશા બહેનો તેમજ લુણાવાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રતિનિયુક્ત કરેલા પુરુષ આરોગ્ય કાર્યકરની ટીમ દ્વારા ઉપરોક્ત તમામ વિસ્તારમાં પોરા નાશક કામગીરી, લોહીના નમુના એકત્રીકરણ પ્રવૃત્તિ, ફીવર સર્વે કામગીરી, તેમજ જનજાગૃતિ અંગેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય ટીમ દ્વારા જનજાગૃતિ
બંધીયાર પાણીમાં મચ્છરના પોરા ઉત્પન્ન ન થાય તે માટે જરૂરી દવાનો છંટકાવ પણ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જનજાગૃતિના પગલાના ભાગરૂપે દિવસ દરમિયાન આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા સવારે તથા સાંજે લીમડાનો અથવા તો ગૂગળ નો ધૂપ કરવા અંગે જાણકારી તેમજ મચ્છરદાની ઉપયોગ કરવા અંગે લોકોને જાણ કરવામાં આવી તેમજ ઘરમાં જે વપરાશના પાણીના પાત્રમાં અથવા તો નકામા પાત્રોમાં અથવા તો ફૂલ છોડના કુંડામાં પાણી ભરેલું હોય તો તેનો નિકાલ કરવા અંગે જાણકારી તેમજ ચોમાસાની ઋતુમાં ધાબા ઉપર પાણી ભરેલું તો હોય તો તેનો પણ નિકાલ કરવા અંગે માહિતી આપી જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આમ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયતી પગલાંના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...