મહીસાગર જીલ્લાના કડાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત 22 એપ્રિલ ના રોજ 108 મારફતે એક દર્દીને મોડીરાતે સારવાર માટે લાવવામાં આવતા ફરજ પરના ડૉ. હરીશ ખાટા ગેરહાજર રહેતા હોવાની વિગત રાજય કક્ષાના આરોગ્ય મંત્રી ડૉ. નિમિષાબેન સુથારને તથા જીલ્લા વિકાસ અધિકારી મહીસાગરને થતા તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનપુરથી મેડીકલ ઑફીસરની વ્યવસ્થા કરી દર્દીને સારવાર પુરી પાડવામાં આવી હતી.
ડો.ની ગેરહાજરી ગંભીર બાબત કોઈ બાંધ છોડ કરવામાં નહીં આવે તેવુ આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ. અને ફરજ પર ગેરહાજર તબીબને ફરજમાં બેદરકારી દાખવનાર સામે જરુરી કાર્યવાહી કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી મહીસાગર દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સુચના આપવામાં આવી હતી.
આ અંગેના સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિગતવાર અહેવાલ તૈયાર કરી જીલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા બાદ કડાણા ડૉ. હરિશકુમાર ખાટા સામે કડક કાર્યવાહી કરવાનો અહેવાલ ગાંધીનગરની આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ)ને મોકલી આપવામાં આવતા કડાણા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી તરીકે નિમણૂંક આપેલ ડૉ. હરિશકુમાર દલપતભાઇ ખાટાની કરારીય સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવતા તાલુકામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા લોકોમાં ફફડાટ ફેલાયો હોવાનું જોવા મળ્યું હતું.
ફરજમાં ગેરહાજર અને બેદરકારી દાખવાનાર લોકોને વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ફરજમાં ગેરહાજર અને બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જો ફરજમાં ગેરહાજરી અને બેદરકારી દાખવવામાં આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.