મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ રાઠડા બેટ ગામે જાન લઈને નાવડીમાં બેસીને જતા વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ગામમાં વર્ષોથી લગ્ન પ્રસંગોમાં જાનૈયાઓ નાવડી આવવા જવાની પ્રથા નથી પણ મજબૂરી છે. રાઠડા બેટ ગામમાં પહોંચવા માત્ર એક વિકલ્પ પાણીનો રસ્તો હોઇ ત્યાં હોડી મારફતે જ પહોંચી શકાય છે.
નદી પાર કરવા એક માત્ર નાવડી જ સહારો
મહીસાગર જિલ્લાના કડાણા જળાશય વચ્ચે આવેલ રાઠડા બેટ ગામમાં વર્ષોથી ગામલોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા કે અન્ય કોઈ પણ કામ માટે ગામ બહાર આવવા જવા માટે માત્ર એક વિકલ્પ હોડીનો સહારો લેવો પડે છે. ગામમાં 21 મે એ ખાનપુરના મેડાના મુવાડાના મહેશભાઈ જાન લઈને રાઠડા બેટ ગામે પરણવા ગયા હતા. ત્યારે નદી પાર કરીને જવા એક માત્ર નાવડીનો જ સહારો લેવો પડે.
વરરાજા નાવડીમાં બેસીને ગયા તે વીડિયો વાયરલ
આથી 250થી 300 જાનૈયા માટે 15 જેટલી નાવડીની વ્યવસ્થા કરી જાન લઈ પહોંચ્યા હતા. લગ્ન બાદ નવદંપતી અને જાનૈયાઓ ત્યાંથી પાછા પણ નાવડા મારફતે જ આવ્યા હતા. કડાણા જળાશયના ચારેકોર પાણીથી ઘેરાયેલા રાઠડા બેટ ગામ સુધી પહોંચવા માત્ર પાણીનો માર્ગ છે. જાન લઇને વરરાજા નાવડીમાં બેસીને ગયા તે વીડિયો વાયરલ થયો હતો.
બાળકોને પણ શિક્ષણ માટે જીવુ જોખમ
મહી વચ્ચે આવેલ રાઠડા બેટમાં 200થી વધુ મકાન છે અને 900થી વધુ લોકો ત્યાં વસવાટ કરે છે. તહેવાર પ્રસંગે જવા લોકોને નાવડીનો જ સહારો લેવો પડે છે. બાળકોને પણ શિક્ષણ માટે જીવના જોખમે જવું પડે છે. ચોમાસામાં વધુ મુશ્કેલી પડે છે. આથી જ લોકો સરકાર પાસે બ્રિજ કે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી રહ્યા છે.
સરકારે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ
આ મારા દીકરાની જાન લઈ નદીના રસ્તે જવાનું હતું ત્યાં પહોંચ્યા અને પાછા ફર્યા ત્યાં સુધી જીવ અધ્ધર રહ્યો હતો. રસ્તામાં કોઈ ઘટના ન બને તે ચિંતા સતત મનમાં સતાવતી હતી. સરકારે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી આ ગામ લોકો અને અમારા જેવા અહીંયા ડર વગર અવરજવર કરી શકીએ. - મેડા હીરાભાઈ, વરરાજાના પિતા
જે તકલીફો પડી છે અમે જાણીએ છે
મારી બહેનનું લગ્ન હતું. આ પ્રસંગે મંડપ, રસોડાથી લઈ તમામ સામાન હોડીમાં લાવવામાં આવ્યો. મંડપવાળા પણ આ રીતે આવવા માટે તૈયાર નથી થતા. જે તકલીફો પડી છે અમે જ જાણીએ છીએ. - રમેશભાઈ વાગડીયા, દુલ્હનના ભાઇ, રાઠડા બેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.