અરજદારો પરેશાન:કડાણા તા. પં. કચેરીમાં 12 વાગ્યા સુધી દરવાજા બંધ

દિવડાકોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિસાબી શાખા સિવાયના કોઈ કર્મચારી ફરકયા જ ન હતા
  • અધિકારીઓ ગેરહાજર રહેતા અરજદારો પરેશાન થયાં

કડાણા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી અણઘડ વહીવટ ચલાવી રહ્યા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠવા પામી હતી. ત્યારે સોમવારે કામ અર્થે આવેલા લોકોએ 12 વાગ્યા સુધી કચેરી ઉપર લટકતા તાળા જોઈ રોષે ભરાયા હતા. અને આવા અનિયમિત કર્મચારીઓની લાલિયાવાડી ચલાવી ન લેવા સ્થળ પર હાજર પ્રમુખને આકરા શબ્દોમાં રજુઆત કરવામાં આવી હતી. અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું પણ ધ્યાન દોરવા જણાવતા માહોલ ગરમાયો હતો.

કડાણા તાલુકા પંચાયત કચેરી ખાતે શનિવાર રવિવારની રજા બાદ સોમવારે બપોરના 12 વાગ્યા સુધી કચેરીમાં માત્ર હિસાબી શાખામાં કર્મચારી હાજર હોય ત્યારે અન્ય વિભાગોમાં ઓફિસ આગળ તાળા જોવા મળ્યા હતા. ત્યારે કચેરીમાં કર્મચારીઓ ન હોવા છતાં લાઈટ પંખા ચાલુ હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓની અનિયમિતતા ને લઇ અરજદારોને અવારનવાર ધક્કા ખાવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જ્યાં આ સમયે કડાણા તાલુકા મંડળ(ભાજપ) પ્રમુખ અને સરપંચ સંઘ પ્રમુખ હાજર રહેતા કર્મચારીઓની ગેરહાજરી આંખે ઊડીને સામે આવી હતી. અને આ બાબતે લોકોએ પ્રમુખ અંબાલાલ પટેલ અને સરપંચ સંઘના પ્રમુખ વેચતાભાઇ વાગડીયાને ઘેરાવ કરી રજુઆત કરવામાં આવી હતી.

જ્યારે હાજર પ્રમુખ દ્વારા તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને ફોન કરતા તેઓ પ્રાત કચેરી ખાતે મીટિંગમાં હોવાનું જણાવ્યું હતું. અને અન્ય કર્મચારીઓ કેમ નથી પહોંચ્યા તે અંગે તપાસ કરી જણાવવા કહ્યું હતું. ત્યારે આવા કર્મચારીઓની અનિયમિતતા સામે લગામ રાખી પ્રજાના કામો નિયમિત થાય તેમજ ગુલ્લીબાજ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે અને કચેરીમાં કામ અર્થે આવતા લોકોના કામ વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે બંને પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી સુચના આપવામાં આવી હતી.

કર્મચારીઓ ફિલ્ડમાં ગયા છે
આસિ.TDO રજા પર છે એસ.ઓ.જીલ્લા પંચાયતમા ગયા હતા અને TPO દવાખાને ગયા હતા. અન્ય વિભાગના કર્મચારીઓ ફિલ્ડ કામ માટે ગયા છે.> ડી.કે.ગરાસિયા, તાલુકા વિકાસ અધિકારી. કડાણા

આવી ફરિયાદો અવારનવાર આવે છે
લોકો ભાડા ખર્ચીને કામ માટે આવે છે. પણ ઓફિસે તાળા લટકતા જોવા મળે છે. સોમવારે આ બાબતે TDO સાથે વાત કરી છે. અને આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.> અંબાલાલ પટેલ,પ્રમુખ,કડાણા ભાજપ.

અન્ય સમાચારો પણ છે...