દુર્ઘટના:દેવ ચોકડીથી બાલાસિનોર રોડ પર કાર ચાલકે બેને અડફેટમાં લેતાં મોત

બાલાસિનોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે ૩ કિમીના અંતરે બે અકસ્માત સર્જી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો

બાલાસિનોર તાલુકાના દેવ ચોકડીથી બાલાસિનોર તરફ આવતી એક કારે બે ઈસમોને અડફેટમાં લઇ તેઓનું મોત નિપજ્યું હતું.ત્યાર બાદ નાસી છૂટવાની ઈરાદે પૂર ઝડપે ગાડી હંકારી બાલાસિનોર ચીલીંગ સેન્ટર પાસે આવેલા ડીવાઈડર પર અથડાવી નાસી છૂટયો હતો. બાલાસિનોર તાલુકામાં જી જે. 27. બી એલ.6830 ના ચાલકે 3 કી. મીના અંતરે બે ઈસમોને અડફેટમાં લીધા હતા.

જેમાં બોરી ડુંગરી ગામના પાટિયા નજીક મોટરસાયકલ પર સવાર રમેશભાઈ મથુરભાઈ પ્રજાપતિ, રહે બાલાસિનોર શ્રીરામ સોસાયટી તેમજ ઝાલાગઢના પાટીયા નજીકના રોડ ઉપર મોટરસાયકલ પર ઉભા રહેલા બાબુભાઈ બીજલભાઈ મહેરાઓને ટક્કર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

વળી બનાવ સ્થળેથી નાસી છુટેલ કારના ચાલકે શહેરના અમૂલ ચીલીંગ સેન્ટર પાસે આવેલ ડીવાઈડર પર કાર અથડાવતા આસપાસના રહીશો એકત્ર થઈ ગયા હતા. આ અંગે પ્રવિણભાઇ બીજલભાઇ મહેરાએ બાલાસિનોર પોલીસ મથકે ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચાલક સહિત કારમાં સવાર 4ને ગંભીર ઈજા
આ બાબતે બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બે અકસ્માત સર્જીને આવેલા કાર ચાલક ડીવાઇડર સાથે અથડાતા કારમાં સવાર ચાલક સાથે એક મહિલા અને અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે આગામી સમયમાં તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.> મુકેશભાઈ ભગોરાએ, પી.એસ.આઇ. બાલાસિનોર

અન્ય સમાચારો પણ છે...