બાલાસિનોર તાલુકામાં પીલોદરા ગામે 9 મેના રોજ વણકર સમાજની દિકરીની લાશ મળી આવતા સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવ અંગે મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસના પાંચ દિવસના અંતે દિકરીની મૃત્યુનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
બાલાસિનોર પોલીસ મથકે રજનીકાન્ત મગનભાઈ વણકર રહે, પીલોદરા નોંધાવેલ પોલીસ ફરિયાદ પ્રમાણે તેમના ગામમાં સમાજમાં લગ્ન પ્રસંગ હતો. તે પ્રસંગમાં વરઘોડાના સમયે તેઓ પરિવાર સાથે હતા. તે સમયે તેમને જાણવા મળ્યુ હતુ કે તેમની દીકરી ઘરની પાછળના ભાગે ફરી રહી છે. જેથી તેઓએ તપાસ હાથ ધરતા તેમની દિકરી જોન્ટી ઉર્ફે ગૌરાંગ સાથે ઉભી હતી. તે સમયે જોન્ટી અને રજનીકાંતભાઈ વચ્ચે ઝપાઝપી થતાં તેમની દીકરી અને જોન્ટી બનાવ સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ બાદ તેઓ ઘરે આવી તપાસ કરતા તેમની દીકરી મળી આવી ન હતી. જેથી તેની શોધખોળ આદરી હતી.
પરંતુ બીજા દિવસે સવારે જાણવા મળેલ કે તેમની દીકરીની લાશ ખેતરમાં પડી છે. જેથી તેઓ ત્યા જઈને તપાસ કરતા તેમની દીકરી હોવાનુ બહાર આવ્યુ હતુ. આ બનાવ અંગે સમગ્ર મામલે તેઓ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. 17 વર્ષીય દીકરીના મુત્યુના સમાચાર વાયુવેગે પ્રસરતા સમાજમાં અને પીલોદરા ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી.
દીકરી જીવનની અને 12 સાયન્સની બંને પરીક્ષામાં ફેલ
તાજેતરમાં ધો-12 સાયન્સની પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ હતુ.આ પરીક્ષા મૃતક દીકરીએ આપી હતી પરંતુ રીઝલ્ટ આવતા પહેલા જ તેનુ મૃત્યુ થયું હતું. પરંતુ દિકરી જીવન અને 12 સાયન્સની પરીક્ષામાં ફેલ થઈ હતી.
ખેતર માલિકે આરોપથી બચવા મૃતદેહ ખસેડી દીધો
ઝઘડો થતાં દીકરી પિતાના ડરથી સીમ તરફ દોડી જતા બળદેવભાઈના ખેતરમાં આપેલ ઈલેકટ્રીક કરંટથી દીકરીનુ મોત થયું હતું. વળી બળદેવભાઈના માથે આરોપ ન આવે તે માટે તેઓએ ખેતરના ભાગીદાર ભલાભાઈ અને અજીતે સગીરાના મૃતદેહને તેમના ખેતર પાસેથી અન્ય ખેતરના શેઢા પર મૂકી નાસી ગયા હતા.
કરંટ લાગવાથી મોત થતાં સ્ત્રોતો સગેવગે કર્યાં
બળદેવભાઈ સોમાભાઈ પટેલે તેમના ખેતરમાં વાવેલ બાજરીના વાવેતર સાચવવા માટે લાકડાના ડંડા રોપી લોખંડના તાર ભરાવી ઈલેકટ્રીક કરંટ આપ્યા હતા. જે ઈલેક્ટ્રીક કરંટ લાગતા સગીરાનંુ મોત નિપજયુ હતુ. જેથી ખેતર માલીકે ઇલેક્ટ્રિક સ્ત્રોતો સગેવગે કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.