તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:વિરપુર ખાતે યુવાન ખેડૂતનો લાલ ભીંડાની ઓર્ગેનિક ખેતીનો નવતર અભિગમ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ

વિરપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરપુરમાં લાલ ભીંડાની ખેતીથી લહેરાતુ ખેતર તથા યુવાન ખેડુત - Divya Bhaskar
વિરપુરમાં લાલ ભીંડાની ખેતીથી લહેરાતુ ખેતર તથા યુવાન ખેડુત
  • ચીકાશ રહિત લાલ ભીંડાની પ્રાકૃતિક ખેતી, ગાયના ગૌ મૂત્ર અને છાણના ખાતરથી ખેતી કરે છે

ખેડૂતો ખેતીવાડીમાં નિત્ય નવી પદ્ધતિઓ અપનાવીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે લાલ ભીંડાની ખેતી તરફ વળ્યા છે. વિરપુર ખાતે ગવાર, ચોળી, રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદિશભાઈ છોટુભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરી છે. આ ભીંડાનું બિયારણ લખનૌ (ઉ.પ્ર) તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું. ખેતીમાં નવતર પ્રયોગના ભાગરુપે એક વીઘામાં યુવા પ્રગતિશીલ ખેડૂત જગદિશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી જેમાં પ્રારંભિક સફળતા મળતાં તેઓ ખૂબ ઉત્સાહિત છે. તેઓ જણાવે છે કે હાલ ભીંડા વિણવાની શરુઆત થઈ ગઈ છે.

એકાંતરે 40 થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે. ઉપરાંત આ ભીંડામાં લીલા ભીંડાની જેમ કાંટાવાળી રુવાટી ન હોવાથી મેળવવામાં પણ સરળતા રહે છે. કપાસની જેમ ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી હોય છે. જેથી ઉત્પાદન સારું મળી રહે છે. વધુમાં આ પાકમાં ચુસીયા જીવાત અને ઇયળનો ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ ઘણો ઓછો થાય છે. હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી ન કરતા બાગાયત અથવા શાકભાજીની ખેતીમાં જો આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે.

વિરપુર તાલુકાનાં વિસ્તરણ અધિકારી અને બાગાયત વિભાગ દ્વારા અવારનવાર માર્ગદર્શન મળે છે. વર્તમાન સમયમાં ખેતીનો ખર્ચ ઘટાડી ખેતી કરવામાં આવે તો નફાનું ધોરણ વધુ રહે છે. ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથે જગદીશભાઈ જણાવે છે કે તેઓ તમામ શાકભાજી તથા મગની ખેતી દેશી ગાયના ગૌ મુત્ર અને છાણના ખાતરથી કરે છે. તેથી તેમના શાકભાજી બજાર કરતા પ્રતિ કિલો વધુ રકમ મળે છે. આમ જિલ્લાના આ યુવા ખેડૂતે લાલ ભીંડાની સ્વાસ્થયપ્રદ ઓર્ગેનિક ખેતી કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી ઉદાહરણરૂપ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...