હ્રદયસ્પર્શી નિર્ણય:દોરડા પર ચાલતાં નટ પિતાની દિલેરી, પુત્રના અંગદાનથી 3 દર્દીને જીવનદોર આપી

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમાલપુરના 25 વર્ષના યુવાનને બ્રેઈન ડેડ જાહેર કરાતાં હ્રદય, ફેફસા, કિડની અને લીવરનું અંગદાન કરી પીડાતાં દર્દીઓને નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પિતા દ્વારા લેવાયેલ પુત્રના અંગદાનના નિર્ણયે 3 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. દોરડા પર ચાલી ગરીબીની દોર ટુંકાવતા નટ સમાજના યુવકના મૃત્યુ બાદ પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો. વિરપુર તાલુકાના જમાલપુર ગામના 25 વર્ષીય જયેશભાઇ નટ બ્રેઇનડેડ થતા પિતાએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.

વિરપુર તાલુકાના જમાલપુર ગામના ધૂળાભાઇ નટ ને એક મોટી દીકરી અને એકનો એક જુવાન જોધ 25 વર્ષના પુત્ર જયેશ હતો. કોઈ પણ મા-બાપની જેમ જ જયેશના પિતાને પણ દિકરો મોટો થતા તે પગભર બનીને હવે પરિવારની પડખે ઉભો રેહશે તેવી આશાની કિરણ જાગી હતી. પરંતુ કુદરતને જાણે એ મંજુર જ ન હતું.

એક જ ઝાટકે કાળની બેરહેમ ઘડી આવી અને જયેશને 10 મી એપ્રિલે માર્ગ અકસ્માત નડ્યો. આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયુ. જયેશને ગંભીર પ્રકારની ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલ હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ કર્યાં.

પરંતુ જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં 11મી એપ્રિલના રોજ 8.46 કલાકે તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યા. દિકરાને બ્રેઇનડેડ જોઇ પિતા ધૂળાભાઇના આંસુ પણ રોકાયે રોકાતા ન હતા. તેવામાં દિકરા પ્રત્યેની લાગણી થી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાંન કરવાનો નિર્ણય કર્યો.

પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા યુવકના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. કલાકોની ભારે જહેમત બાદ બ્રેઇનડેડ જયેશભાઇના અંગો પૈકી હ્રદય, ફેફસા, એક કિડની અને લીવરનું દાન અપાયું હતુ.

કયા અંગ ક્યાં દાન કર્યા
હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને ફેફસાને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર મારફતે જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે ગણતરીની મીનીટોમાં મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...