તંત્ર મૂકપ્રેક્ષક:વિરપુર આંગણવાડી મેદાનમાં ખાનગી વાહનો નીચે કચડાવાનો બાળકોના વાલીઓને ભય

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી વાહનોનો ગેરકાયદેસર ખડકલો.. ‘નો પાર્કિંગ ઝોન’નું સુરસુરીયું,

વિરપુર ગ્રામ પંચાયતના કંપાઉન્ડમા આવેલી આંગણવાડીમા ગેરકાયદેસર ખાનગી વાહનોનો ખડકલો કરી દેતા આંગણવાડીના બાળકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતાં વાહનોને હટાવવાની સત્તા આરટીઓ તેમજ સ્થાનિક પોલીસ પાસે રહેલી છે છતાં આજદિન તંત્રએ એક પણ વાહન સામે દંડનીય કાર્યવાહી કરી નથી.

નગરમાં આવતા ખરીદદારો, અન્ય વેપારી કે વ્યક્તિઓ પોતાના વાહનો જાહેર પાર્કિંગના અભાવે આંગણવાડીમાં પાર્ક કરી રહ્યા છે. જેના કારણે જાહેરનામાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. સત્તાવાળાઓનું આ બાબતે સુચક મૌન પણ જોવા મળી રહ્યું છે. આ આંગણવાડીમાં 35 જેટલા નાના ભૂલકાં અભ્યાસ માટે આવે છે. જ્યારે આંગણવાડીની આસપાસ પાર્ક કરેલા ગેરકાયદેસર વાહનો અવર જવરના કારણે અકસ્માત ને લઇ વાલી સમુદાયમા પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે.

સ્થાનિકો દ્વારા પંચાયતના અધિકારી, સરપંચ, સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી સુધી ફરિયાદો કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જીલ્લા આરટીઓ તંત્ર દ્રારા નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ડીટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ ગ્રામ પંચાયત પાસે આવેલી આંગણવાડી પાસેથી ગેરકાયદેસર વાહનોને હટાવવામાં નિરસતા કેમ દાખવી રહ્યું છે. તેવા સવાલો ઉઠયા છે.

અમને સતત અકસ્માતનો ભય સતાવે છે
આંગણવાડીના પ્રવેશ દ્વારની બાજુમાંજ પ્રાઇવેટ ટેમ્પો અને મોટા પ્રાઇવેટ વાહનોના પાર્કિંગ જોવા મળે છે. અને તે વાહન ચાલકો મૂકવા તેમજ લેવા આવ્યા હોય તેવા સમયે કુમળા બાળકોને અકસ્માત થાય તેનો ભય સતત સતાવતો હોય છે. જે માટે આંગણવાડી સંચાલકને ગ્રામપંચાયત કર્મચારી ટીડીઓ તેમજ સરપંચ સુધી ફરિયાદ કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. > કાન્તીભાઈ ડી વાળંદ, જાગ્રૃત વાલી

અન્ય સમાચારો પણ છે...