હાલાકી:જાંબુડીના બાળકો જીવના જોખમે ૩ કિ.મી.નો કોતર પાર કરવા મજબૂર

વિરપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાંબુડીના વિદ્યાર્થીઓ પોતાનું ભ‌વિષ્ય ઉજજ્વળ બનાવવા કોતરમાં થઈ અભ્યાસ માટે જઇ રહ્યા છે. - Divya Bhaskar
જાંબુડીના વિદ્યાર્થીઓ પોતાનું ભ‌વિષ્ય ઉજજ્વળ બનાવવા કોતરમાં થઈ અભ્યાસ માટે જઇ રહ્યા છે.
  • ભણતર માટે વિરપુર તાલુકાના ભૂલકાઓની મજબૂરી

વિરપુર તાલુકાના જાંબુડી ગામના અભ્યાસ કરતા 50થી વધુ બાળકો વર્ષોથી કોતરના પાણીમાં થઈને શાળાએ જવા મજબૂર છે.

આ ભૂલકાઓ 3 કિ.મી.જેટલું લાંબું અંતર કાપીને જીવના જોખમે શાળાએ પહોંચે છે. અને જોખમ ખેડીને ભાવિ ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વર્ષોથી અહી કોઝ-વે અથવા રોડ બનાવવાની માંગને કોઈએ ધ્યાને ન લેતા બાળકોનો જીવ જોખમમાં મૂકાય છે. તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતમાં આવેલ જાંબુડી ગામથી જાંબા ભાગમાં કેટલાક આંતરીયાળ વિસ્તારોમાં શાળાએ જવામાં બાળકોને જોખમ ખેડવું પડી રહ્યુ છે. જાંબુડી ગામથી જાંબા ભાગમાં જવાનો માર્ગ ૩ કિ.મી.નો છે. જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી આ ગામનો પાકો રોડ બનાવવામાં આવ્યો નથી. ત્યારે આ કાચા રોડ પર ચોમાસાના સમયે અવર જવર કરવી ગામ લોકોને તેમજ બાળકોને ભારે હાલાકી વેઠવી પડે છે. વર્ષોથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને જ શાળાએ જવું પડે છે. લોકોની કોઝ-વે તેમજ પાકો રોડ બનાવવાની વર્ષોની માગણી અભરાઈએ ચડાવી દેવાતા બાળકો સાથે કોઈ જોખમરૂપ ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની તેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ત્યારે આ બાબતની નોંધ લઈ પાકો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠી છે.

નિવેડો લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે
કોયડમ ગ્રામ પંચાયતમાં આવેલ જાંબા ભાગમાં કાચા રસ્તાને લઈને સ્થાનિક લોકોને ભારે હાલાકી છે ત્યારે આ વિસ્તારમાં રોડ બનાવવાની મોટાભાગની જમીન ફોરેસ્ટ વિભાગની હોવાથી રોડ બનાવવો મુશ્કેલ છે પણ આવનાર દિવસોમાં આનો કોઈ નિવેડો લાવવાનો પ્રયત્ન કરીશું.
> રમતુંભાઈ બારીયા, જિલ્લા પંચાયત સદસ્ય, જાંબુડી.

ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળ્યા બાદ નવીન રસ્તાની દરખાસ્ત કરીશુું
કોયડમ ગ્રામ પંચાયતના જાંબા ભાગના લોકો માટે પાકા રસ્તાની સુવિધા માટે ફોરેસ્ટ વિભાગની જગ્યા આવતી હોવાથી તેઓ પાસે રસ્તા માટેની જગ્યા આપવા માટે રજૂઆત કરેલી છે. ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળતાં નવીન રસ્તા માટેની દરખાસ્ત કરીશું.>રજનીભાઈ પટેલ, સરપંચ, કોયડમ.

અન્ય સમાચારો પણ છે...