તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SDMનો કથિત ઓડિયો વાયરલ:ડેપ્યુટી કલેક્ટરે સાથે ભણેલા મિત્રને કહ્યું, ‘મને સાહેબ કહેવાનું, નહીં તો કાર્યવાહી કરીશ’

લુણાવાડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિરપુર-બાલાસિનોરના SDMનો કથિત ઓડિયો વાયરલ થયો
  • મિત્રએ SDM બનેલા મિત્રને હરેશભાઈ કહી સંબોધ્યા હતાં

મહીસાગર જિલ્લાના વીરપુર-બાલાસિનોર વિસ્તારમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ મકવાણાના મિત્રએ વ્હોટસએપ મેસેજમાં તેમના નામ પાછળ ‘ભાઈ’ શબ્દ લખતાં તેમણે મિત્રને ફોન કરીને કહ્યું હું ક્લાસ વન નાયબ કલેક્ટર છું, તમે મને હરેશભાઈ કહીને કેમ વ્હોટસએપ પર મેસેજ લખીને મૂકો છો? તમને આવી સત્તા કોણે આપી દીધી? જો મને સાહેબ નહીં કહોતો મારે નાછૂટકે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તેવી ધમકી આપતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં લોકોમાં ચર્ચા જાગી છે.

રાજ્ય સરકારમાં પ્રજા સેવક તરીકે મહીસાગર જિલ્લામાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ અને શાળામાં સાથે ભણતા તેમના એક મિત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લિપમાં સંભળાતા સંવાદો મુજબ નાયબ કલેકટર હરેશભાઈ પોતાના મિત્રને કહે છે કે ‘ભાઈ તમે મને whatsapp મેસેજ પર હરેશભાઈ-હરેશભાઈ કરીને મેસેજ ના કરો. મને ખોટી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ ના પાડો.’ સામે તેમના મિત્ર કહે છે કે ‘સાહેબ શું થયું?’ સામે નાયબ કલેકટર કહે છે કે ‘નાયબ કલેકટરને તમે હરેશભાઈ કઈ રીતે કહી શકો? નાયબ કલેકટરને તમે આ રીતે સંબોધન કરો તમે સરકારી નોકરી કરતા હોય તો એટલું ફરજ પ્રત્યેનું તમારું ભાન છે કે નથી?’ સામે તેમના મિત્ર કહે છે કે ‘સાહેબ હું શું કહું તમને આપણે તો એક ક્લાસમેટ હતા.’ સામે નાયબ કલેક્ટર કહે છે કે, ‘અરે ક્લાસમેટ હોય એટલે આવો પ્રિવિલેજ મળે છે કે ક્લાસ-1 ને આવી રીતે અપમાનિત કરવાના? હું અપમાનથી સમાજમાંથી નીકળવા માટે આટલી મહેનત કરીને નાયબ કલેકટર બન્યો હોઉ, હજુ મને અપમાનિત જ કરો છો. વોરંટ કાઢીને તમને અહીં સુધી લાવવા ન પડે એ પહેલા હું આ ચેતવણી આપું છું.’ જ્યાં મિત્રએ ‘મારી ભૂલ થઈ ગઈ સોરી’ કહી દીધું. આ અંગે વાત કરવા દિવ્ય ભાસ્કર દ્વારા મહિસાગરના નાયબ કલેક્ટર હરેશ મકવાણાને ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે ત્યારબાદ ફોન સ્વિચઓફ થઇ ગયો હતો.

અમને ખબર નહોતી કે સાથે ભણેલો માણસ ઊંચી પોસ્ટ ઉપર જાય એટલે એને ‘સર’ કહેવું પડે!
ક્લાસ વન અધિકારીના ક્લાસમેટે તેઓને હરેશભાઇ કહેતાં અધિકારીએ મિત્રને કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. બીજી તરફ પોતાના મિત્રની વાતથી ડઘાઇ ગયેલા મિત્રે તેમને કહી દીધું કે મેં તમને કાંઈ ખોટું કહ્યું નથી, મને ખબર નહોતી કે સાથે ભણતો માણસ ઊંચી પોસ્ટ ઉપર જાય એટલે એને ‘સર’ કહેવુ પડે, હવે અમે તમને ‘સર’ કહીશું! તેવી વાત ફોનમાં થઈ હોવાની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...