સ્માર્ટ ફોન યોજના:મહીસાગરમાં 95470માંથી માત્ર 1104 ખેડૂતોએ સ્માર્ટફોન સહાયની અરજી કરી

લુણાવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1020 અરજીઓ મંજૂર કરી જેમાંથી માત્ર 30 ખેડૂતોએ સ્માર્ટ ફોન ખરીદયા

રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટેની સ્માર્ટ ફોન યોજના બહાર પડાઇ છે. જેમા ખેડુતોની જમીનની કોઇ મર્યાદા નક્કી કરી નથી. પણ ખેડૂત ખાતેદાર દિઠ એક જ મોબાઇલની ખરીદીમાં સહાય આપવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં 95470 ખેડૂતો છે. જેની સામે રાજ્ય સરકારે મહીસાગર જિલ્લામાં સ્માર્ટ ફોન માટે 825 ખેડૂતોનું લક્ષ્યાંક આપ્યું હતું . યોજના બહાર પડતા જિલ્લામાંથી માત્ર 1104 ખેડૂતોઅે સ્માર્ટ ફોન લેવા માટેની અરજી કરી હતી.

જેમાંથી 1020 ખેડુતોની અરજીઓ મંજુર કરી ફોન સહાય આપવાની કામગીરી ચાલુ કરાઇ છે. ત્યારે અત્યાર સુધીમાં માત્ર 30 જ ખેડૂતોએ મોબાઈલ ખરીદ્યા છે. જ્યારે અન્ય ખેડૂતોએ ખરીદી કરી નથી. ખાસ કરીને ખેડૂતોને ડીઝીટલ બનાવવા તેમજ સરકારની વિવિધ યોજના, સહાય, આધુનિક ખેતીલક્ષી માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. હાલ નવી અરજી લેવાની કામગીરી બંધ છે. જોકે 21 એપ્રિલથી સરકારની સૂચના મુજબ ખેડૂત આઇ પોર્ટલ ખુલવાનું હોવાથી વધુ ખેડૂતો અરજી કરી શકશે.

પહેલા 10 ટકા હતી હવે 40 ટકા સુધીની સહાય
ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી કર્યેથી અગાઉ 15000ની કિંમતમાં 10 ટકા અથવા 1,500 મળતા હતા. હવે આ યોજનામાં થોડો સુધારો કર્યો છે. તે મુજબ 15,000 ની કિંમતના સ્માર્ટ ફોનની ખરીદીમાં 40 ટકા અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય તે ચૂકવાશે.

અન્ય સમાચારો પણ છે...