સિદ્ધિ:મહીસાગર જિલ્લાએ કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં 100% કામગીરી કરી રાજ્યમાં પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યું

લુણાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી મહીસાગર જિલ્‍લામાં રસીકરણ મહા અભિયાન સઘન બન્‍યું છે. આ અભિયાનને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર ડૉ. મનિષકુમાર અને જિલ્‍લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્રના કર્મયોગીઓએ વેક્સિનેશનની કામગીરીને વેગવંતી બનાવી હતી અને રાત-દિવસ જોયા વગર નાગરિકોનું 100 ટકા રસીકરણ થઇ જાય તે રીતે જોતરાઇ ગયા હતા. કર્મીઓેએ જયાં સાધન દ્વારા ન પહોંચી શકાય ત્યાં પગપાળા અને સરકારી વાહન દ્વારા પણ પહોંચી જઇને વિશ્વ વ્યાપી કોરોના સામે રક્ષણ પુરૂં પાડતી રસીથી કોઇ નાગરિક વંચિત રહી ન જાય તેવી રીતે કામગીરી પાર પાડી હતી. જિલ્લાના તમામ આરોગ્ય કર્મયોગીઓ કે જેઓ વેક્સિનેશનની કામગીરી સાથે જોડાયા હતા. તેઓની કામગીરી રંગ લાવી અને તા. 11મીના રોજ સમગ્ર મહીસાગર જિલ્‍લામાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો જે જેઓ રસી મૂકવવાને પાત્ર હતા તેવા 8,14,524ના લક્ષ્‍યાંક સામે તમામ 8,14,783 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને 100 ટકાથી પણ વધુ સિદ્ધિ હાંસલ કરી રાજ્યમાં વેક્સિનેશનની કામગીરીમાં જિલ્‍લામાં પ્રથમ ડોઝ પૂર્ણ કરવામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ પાંચમા સ્થાન હાંસલ કર્યું છે.

જિલ્લામાં બીજો ડોઝ મૂકવાની 50 ટકા કામગીરી પૂર્ણ થઇ
મહિસાગર જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણમાં 8,14,524ના લક્ષ્‍યાંક સામે તમામ 8,14,783 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્‍યો છે. તેવી જ રીતે જિલ્‍લાના 4,10,475 નાગરિકોએ બીજો ડોઝ મૂકાવી દીધો છે. એટલે કે બીજો ડોઝ મૂકાવવાની કામગીરી પણ 50 ટકા પૂર્ણ થવા પામી છે. આમ જિલ્‍લામાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 12,25,258 વેક્સિનેશનની કામગીરી પૂરી કરવામાં આવી છે.

જિલ્લામાં બંને ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સહભાગી થવા બદલ નાગરિકોને પણ અભિનંદન પાઠવ્યાં
મહીસાગર જિલ્લાએ સમગ્ર રાજયમાં પ્રથમ પાંચમાં સ્થાન હાંસલ કરાવવા બદલ જિલ્‍લા કલેક્ટર ડૉ. મનિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. બી. શાહ અને તેમની સમગ્ર આરોગ્યની ટીમ તથા વેક્સિનેશનની કામગીરી સાથે સંકળાયેલ તમામ આરોગ્ય કર્મયોગીઓની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. તથા તમામ નાગરિકો કે જેઓએ વેક્સિનેશનની કામગીરીમાં સહભાગી કોરોના સામે રક્ષણ પુરુ પાડતું સુરક્ષા કવચ ગ્રહણ કરવા બદલ એટલા જ અભિનંદન જિલ્લાના નાગરિકોને પણ પાઠવ્યા હતા અને બીજો ડોઝ મૂકાવવાનો થાય ત્યારે નિયત સમયમાં બીજો ડોઝ મૂકાવી દેવાની સાથે જિલ્લાને બંને ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સહભાગી થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...