ભાવમાં વધારો:દૂધના સ્થિર ભાવ વચ્ચે ખોળનો ભાવ ડબલ થતાં મહિસાગર જિલ્લાનાં પશુપાલન નિભાવ ખર્ચ મોંઘો થયો

લૂણાવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગરમાં 50 કિલો ખોળનો ભાવ રૂ.1100 વધીને 2000એ પહોંચ્યો

મહીસાગર જિલ્લામાં દૂધના સ્થિર ભાવો તેમજ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા સેંકડો પરિવારોની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી જોવા મળી રહી છે પશુઓના માસિક નિભાવ ખર્ચમાં પણ વધારો થયો છે. મહિના પહેલા જે કપાસિયા ખોળનો 50 કિલોગ્રામનો ભાવ રૂ.1100 હતો તે વધીને અત્યારે રૂ.2000 ને આંબી ચૂક્યો છે. આ સિવાય અન્ય ઘાસચારાનો ભાવ પણ આસમાને પહોંચતાં પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે.

પશુપાલકોના જણાવ્યા મુજબ , સૂકુ ઘાસ જે રૂ.150 માં 20 કિલોગ્રામ મળતું હતું . તેનો ભાવ વધીને આજે રૂ.200 એ પહોંચી ચુક્યો છે. આ સિવાય લીલી મકાઈ ઘાસ કે જેનો ભાવ 20 કિલોનો રૂ.30 થી રૂ.40 ની આસપાસ હતો. તેનો ભાવ અત્યારે વધીને રૂ.50 થી રૂ.70 ની આસપાસ પહોંચી ચુક્યો છે. આ સિવાય સૂકા ઘાસના પૂળાના ભાવમાં પણ વધારો થયો છે . હાલ એક પૂળાનો ભાવ રૂ.25 થી 30 સુધી પહોંચી ચુક્યો છે. આમ પશુઓ માટેના ઘાસચારાથી લઈને દાણ - ખોળમાં તોતિંગ ભાવવધારાના પગલે પશુપાલન સાથે સંકળાયેલા સેંકડો પરિવારોની હાલત કફોડી બની રહી છે. મોટાભાગના પરિવારો ખેતીની સાથેસાથે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પશુપાલન થકી જીવન નિર્વાહ કરી રહ્યા છે . હવે ભેંસની જગ્યાએ ગાયોની માંગમાં વધારો થયો છે.

જિલ્લામાં અનેક ઠેકાણે તબેલાનો ખુબ વ્યાપ વધ્યો છે. જોકે , હવે મોંઘવારીનો માર અહીં પણ નડી રહ્યો છે . પશુધનના માસિક નિભાવ ખર્ચમાં પણ તોતિંગ વધારો થયો છે . દૂધાળા પશુઓ માટે કપાસીયા ખોળથી લઈને મકાઈના ભરડાની બોલબાલા હોય છે. પણ આ બન્નેના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે મકાઈ ભરડાનો ભાવ પણ અગાઉ 20 કિલોનો રૂ.1100 હતો તે વધીને અત્યારે રૂ.1700 સુધી પહોંચી ચુક્યો છે. આ સિવાય લીલી મકાઈથી લઈને સૂકા ઘાસચારાના ભાવોમાં પણ તોતિંગ વધારો થયો છે. સામે દૂધના ભાવો છેલ્લા કેટલાક સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે. જેથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને નફો ઓછો નુકસાન વધારે થઈ રહ્યું છે. દાણનો ભાવ અગાઉ 50 કિલોનો રૂ.900 હતો તે વધી રૂ1450 થી 1550 ને વટાવ્યો છે. પશુપાલકો મુશ્કેલીમાં મુકતા સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવા ખેડૂતો દ્વારા જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...