અપીલ:મહીસાગર કલેક્ટરની યુવાનોને રસીકરણ કરાવતાં પહેલાં રકતદાન કરવાની અપીલ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ બાદ 14 દિવસ પછી રક્તદાન કરી શકાય છે : આરોગ્ય વિભાગ

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાઇરસના સંક્રમણ સામેની જંગમાં ગુજરાતના નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોના પર જીત મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’ની પ્રતિબદ્ધતા સાથે વ્યાપક પગલાં લેવા સૌને પ્રેરિત કર્યા છે. કોરોનાથી બચવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે. જેને લઇને સૌ કોઇ નાના-મોટા નાગરિકો આ રસીકરણ અભિયાનમાં જોડાયા છે. આ પ્રક્રિયામાં એક બાબતનું ખાસ ધ્‍યાન રાખવા જેવી કોઇ બાબત હોય તો તે છે રકતદાન. મહીસાગર જિલ્‍લા કલેકટર આર. બી. બારડે યુવાનોને રસીકરણ કરાવતાં પહેલાં રકતદાન કરવા અપીલ કરી છે.

અને જણાવ્યુ કે રસીકરણ કરાવવા જાવ તે પહેલાં લુણાવાડા રેડક્રોસ સોસાયટીમાં આપણું મહામુલું રકતદાન કરીએ અને ત્‍યાર પછી જ જે તે રસીકરણ કેન્‍દ્ર ઉપર જઇને રસી મૂકાવીએ. જેથી રક્તદાન કેન્દ્રમાં રક્તની ભારે અછત નિવારી ગંભીર અને જરૂરિયાતવાળા અને ખાસ કરીને થેલેસેમિયા, સિકલસેલ અને એનીમિયા જેવા રોગોમાં દર્દીને દર મહિને રક્તની જરૂર પડતી હોય છે ત્‍યારે આવા દર્દીઓને સમયસર રકત આપી શકાય. આરોગ્‍ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી 14 દિવસ સુધી અને બીજો ડોઝ લીધાના 14 દિવસ પછી જ બ્લડ ડોનેટ કરી શકાય છે.

વેક્સિન લીધા પછી તમારા શરીરમાં એન્ટીબોડીના સેલ બનતા હોય છે. તેથી આ સમય દરમિયાન જો તમે રકતદાન કરવા ઇચ્‍છતા હો તો પણ તમે રકતદાન કરી શકતા નથી. માટે કલેકટરે આશા વ્‍યકત કરી છે કે, જિલ્‍લાના યુવાનો રસીકરણ કરાવતાં પહેલાં મોટી સંખ્‍યામાં રકતદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જરૂરી એવું રકત સમયસર પહોંચાડી શકાય તે માટે પોતાનું મહામુલું યોગદાન આપશે.

રકતદાતા દ્વારા રકત દાન કરવામાં આવ્‍યા બાદ બ્લડ બેંકોમાં કમ્પોનન્ટ સુવિધા હોવાથી એક રક્તદાન 3-4 દર્દીઓનું જીવન બચાવી શકે છે. માટે સૌ મળીને રસીકરણ પહેલાં વધુમાં વધુ રક્તદાન કરવાના શપથ લઇ અન્યની જિંદગી બચાવવા આપણું બહુમુલ્ય યોગદાન આપી રકતદાન-મહાદાન મંત્રને સાર્થક કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...