તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને સહાય:વિરપુર અને બાલાસિનોર તાલુકાના ખેડૂતોએ નવીન કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)નું વાવેતર કર્યુ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ નવીન કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)નુ વાવેતર કર્યુ. - Divya Bhaskar
ખેડૂતોએ નવીન કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)નુ વાવેતર કર્યુ.

મહીસાગર જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામક કચેરીના નિયામકે જણાવ્યું કે થોર કુળના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે. અત્યાર સુધી બાગાયત ખાતાની સહાય યોજનાઓમાં આ નવા પાકનો સમાવેશ થતો ન હતો. રાજ્યના બાગાયત વિભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ આ પૌષ્ટિક ફળની ખેતી કરનારા કૃષિ સાહસિકોને યોજનાના નિર્ધારિત માપદંડો પ્રમાણે સહાય આપવાનું શરૂ કર્યું છે.

કમલમ ફળનો વાવેતર વિસ્તાર વધારવાના હેતુસર સહાયની યોજનામાં આ ફળનો સમાવેશ કરાયો છે. કમલમ ફળની ખેતી માટે સહાયની યોજના શરૂ કર્યાનુ આ પહેલું વર્ષ છે. જેને લઇને જિલ્લાના વિરપુર અને બાલાસિનોરના સાહસિક ખેડૂતોએ નવીન ડ્રેગન ફ્રૂટની ખેતીનું વાવેતર કરેલ છે. બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને તેની જાણકારી પણ અપાઇ રહી છે. તે પ્રમાણે ડ્રેગન ફ્રૂટની મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે. પ્રતિ હે. રૂ.2.50 લાખ નિર્ધારિત ખર્ચ એકમના 50 ટકા પ્રમાણે આ ફળની ખેતી માટે સહાય મળી શકે છે. એટલે કે મહત્તમ 1 હે.માં વાવેતર હોય તો રૂ.1.25 લાખની સહાય યોજના હેઠળ મળી શકે છે.

લગભગ ત્રણ વર્ષે પાક મળે
કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી કરવા માટે સિમેન્ટના થાંભલાનું માળખું બનાવવું પડે છે. એટલે શરૂઆતનો ખર્ચ મોટો અને વાવેતરના લગભગ ત્રણ વર્ષે પાક મળતો થાય, તેથી મોટા ખેડૂતોને આ ખેતી પોસાય. પરંતુ સહાયની યોજનાને લીધે આર્થિક ભારણમાં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...