પાણીની ચિંતા:કડાણા જળાશયની સપાટી 397 ફૂટ થતાં ડેમમાં 50% જ પાણી ઉપલબ્ધ

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કડાણા જળાશયની સપાટી 397 ફૂટે પહોંચી. - Divya Bhaskar
કડાણા જળાશયની સપાટી 397 ફૂટે પહોંચી.
  • ડેમમાંથી પાછલા એક માસથી 7 જિલ્લા માટે અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાયું છે
  • ઉનાળાના અંત સુધી ડેમ તેની ન્યૂનતમ સપાટી 373 ફૂટ નજીક પહોંચી જશે તો પાણી મળવું મુશ્કેલ થશે

મહીસાગર જિલ્લાના કડાણા જળાશયમાં 50 ટકા પાણીનો જથ્થો ત્યારે ડેમમાંથી પાછલા એક માસથી સુજલામ સુફલામ કેનાલ મારફતે સાત જીલ્લા માટે આપવામાં આવતું 800 ક્યુસેક અને મહી સિંચાઈ વિભાગ (ખેડા)નું 3000 ક્યુસેક પાણી બંધ કરાયું છે. હાલ ઉનાળાની સિઝનમાં સમગ્ર ગુજરાતમાં પીવાના અને ખેડૂતો માટે સિંચાઇના પાણીની ચિંતા સતાવી રહી છે.

ત્યારે કડાણા જળાશયની સ્થિતિ જોતા આગામી દિવસોમાં અન્ય જીલ્લાઓને અપાતું સિંચાઈનું પાણી પુનઃ આજ રીતે અપાશે તો ઉનાળાના અંત સુધી ડેમ તેની ન્યૂનતમ સપાટી 373 ફુટ નજીક પહોંચી જશે તો જળાશયમાંથી મહીસાગર પંચમહાલ અને દાહોદ જીલ્લાને અપાતું પીવાનું પાણી પણ મળવું મુશ્કેલ બની રહેશે. જળાશયમાં ગત વર્ષ માર્ચ મહિનામાં સપાટી 406.10 ફૂટ હતી. જ્યારે જૂન માસમાં 397.2 ફૂટ સુધી પહોંચી હતી.

જ્યારે ચાલુ વર્ષ માર્ચમા 404.3 ફુટ, એપ્રિલ માસમાં 397.5 ફૂટ પહોંચી જવા પામી છે. એટલે કે ગત વર્ષે સપાટીમાં જે ઘટાડો 4 માસમાં નોંધાયો તે ચાલુ વર્ષે 1 માસમાં જોવા મળ્યો હતો. હાલ કડાણા ડેમમાં 1500 ક્યુસેક પાણી આવક સામે સપાટી 397.5 ફૂટ રહેતા 50 % જથ્થો ઉપલબ્ધ જોવા મળ્યો હતો. કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાંથી આપવામાં આવતું 7 જીલ્લાના પાણી ઉપર સત્તાધીશો દ્વારા રોક લગાવી દેવામાં આવી છે.

આગામી દિવસોમાં 156 ગામોને પીવાનું પાણી પણ નહીં મળી શકે તેવા સંકેતો
કડાણા ડેમની હાલની સપાટી 397.5 ફુટ છે જ્યારે આવક 1500 કયુસેક છે ત્યારે માત્ર માર્ચ મહિનામાં 90000 ક્યુસેક પાણી નડિયાદ મહી સિંચાઇ (ખેડા) વિભાગ અને 24000 ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનામા આપી દેવાયું છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશી લોટ ખાય તેવી પરિસ્થિતિ આગામી દિવસોમાં મહીસાગરના ખેડૂતોની જોવા મળશે.હવે અન્ય પાણી મહીં સિંચાઇ માટે છોડાશે તો સંતરામપુર-કડાણા-લુણાવાડા તેમ જ ગોધરા તાલુકાના આશરે 156 ગામોને પીવાનું પાણી પણ આગામી દિવસોમાં નહીં મળે તેવા સંકેતો ઉદભવી શકે છે .

સંતરામપુરના 10 ગામોમાં પાણી નહીં મળતાં પ્રજાની કફોડી હાલત

મોટર બગડતાં ટેન્કર દ્વારા લોકો પાણી ભરી રહ્યા છે
કડાણા જૂથ પાણી યોજનામાં મોટર બગડી જતા છેલ્લા ઘણા સમયથી પાણી પુરવઠો નહી મળતા 10 ગામોના લોકોની પરિસ્થિતિ કફોડી જોવા મળી હતી. જેને લઇને સંતરામપુર તાલુકાના ગોધર, નાનીસરસણ, મોટી સરસણ, ધામોત ના મોહિલા, ચુથાના મુવાડા, નસીકપુર, બોડીયા, બારેલા, ખાંભા આ તમામ ગામોમાં રોજના પાંચથી છ ટેન્કર પાણી લાવીને પૂરું પાડતું હોય છે. પરંતુ અા પાણી પશુઓ માટે અને ઘર વપરાશ માટે ખુબજ અોછા પ્રમાણમાં મળી રહ્યુ હોવાથી લોકો એક કિલોમીટર ચાલીને બીજાના બોર અથવા કુવા પર પાણી લાવી રહ્યા હોવાથી હાલત કફોડી બની રહી છે.

પાણીની ગંભીર કટોકટી સર્જાયેલી જોવા મળી રહી છે. ત્યારે હજુ સુધી પાણી પુરવઠા દ્વારા યોજના હેઠળ પાણી મળતું નથી. અા અંગે સરપંચ સાથે વાત કરતાં જણાવ્યું કે કે અત્યારે મોટર બગડી ગઈ છે. રીપેર થયા બાદ પાણી આવશે. ત્યા સુધી લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. અને તે ક્યા સુધી ચાલુ રહે તે તો તંત્ર જ જાણે હાલતો લોકોને ટેન્કર દ્વારા પાણી ભરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...