રોષની લાગણી:પહેલીવાર પેટ્રોલ રૂ.100ને પાર થતાં મહીસાગરના વાહનચાલકોમાં રોષ, ટ્રાવેલ્સ, ટ્રેક્ટરની મજૂરીના ભાવ પણ વધી ગયા

લુણાવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછલા બે દિવસથી 100ની નજીક મંગળવારે રૂ.100.44

મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત પેટ્રોલ 100 રૂપિયાને પાર થઇ જતા વાહનચાલકોએ રોષની લાગણી ઠાલવી હતી. આ ઉપરાંત ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટ, ભાડે ફરતા ખાનગી વાહનો સહિતના ભાડામાં ભાવ વધારો થતા ખાસ કરીને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની છે. માંડ માંડ ગુજરાન ચલાવતા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા લોકો માટે પેટ્રોલના આ ભાવ ગળે ટૂંપો લાગ્યા જેવા છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો ચોતરફ વિરોધ કરવા છતાંય ભાવ અંકુશમાં આવતા નથી.

ત્યારે પાછલા કેટલાય દિવસોથી સેન્ચૂરીની નિકટ રહ્યા બાદમાં સોમવારે રૂ.100ને પાર નીકળ્યા બાદ લુણાવાડા સહિત જિલ્લામાં મંગળવારે પેટ્રોલના ભાવ રૂ. 100.44 પર પહોંચી ગયો હતો. જેથી સ્કૂટર, બાઈક સહિત વાહનચાલકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ પેટ્રોલ, ડીઝલના ભાવ વધવાથી, ટ્રાવેલ્સ, ખાનગી પેસેન્જર વાહનો તેમજ ડીઝલમાં પણ ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટના સામાનના ભાડા, ખેતીમાં ટ્રેક્ટરની મજૂરીમાં વધારો થયો છે. જેને કારણે ખેડૂતો પણ વધુ રૂપિયા ખર્ચવા મજબૂર બન્યાં છે.તેની સાથે જીવનજરુરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને જઈ રહ્યા હોઈ ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...