કરોડો રૂપિયાનું આંધણ:મહીસાગર જિલ્લામાં વાવેતર થયેલા 7 લાખ 14 હજાર વૃક્ષોનો પત્તો નથી!

લુણાવાડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગર જિલ્લાને હરિયાળો બનાવવા વન વિભાગે 6 લાખ 69 હજાર વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક રાખી રોપ્યાં છે પરંતુ હકીકતમાં ગત વર્ષે વાવેતર થયેલા મોટાભાગના રોપઓ ગાયબ

ચોમાસાની સીઝનમાં વન મહોત્સવ પૂર્ણ થયો છે. મહીસાગર જિલ્લાને હરિયાળો બનાવવાના આશયે વન વિભાગ દ્વારા 6 લાખ 69 હજાર જેટલાં વૃક્ષો ઉછેતરવાનો લક્ષ્યાંક રાખી રોપવામાં આવ્યા છે.

પરંતુ હકીકતમાં ગત વર્ષે વાવેતર થયેલા 7 લાખ 14 હજાર રોપાઓ માંથી મોટાભાગના રોપઓનો પત્તો નથી છતાં તંત્ર દ્વારા આ વર્ષે વૃક્ષ ઉછેરનો ઉંચો લક્ષ્યાંક ચર્ચાની એરણે ચઢ્યો છે. દર વર્ષે ચોમાસામાં વન મહોત્સવ યોજી કરોડોના ખર્ચે વૃક્ષારોપણના તાયફા થાય છે પરંતુ રોપાની દરકાર લેવાતી નથી. જેથી ટૂંક સમયમાં જ વાવેતર થયેલા રોપાનું બાળમરણ થઈ જતું હોય છે.

જિલ્લામાં વૃક્ષો વાવો, વરસાદ લાવો તેમજ પર્યાવરણની જાળવણીના આશય સાથે સહયોગથી ચોમાસામાં સરકાર અને સામાજીક સંસ્થાઓના વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજીત કરાતા હોય છે. વન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોવા છતાં જિલ્લામાંથી હરિયાળી નષ્ટ થઈ રહી છે. લીલાં વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે . જિલ્લામાં આ વર્ષ વન મહોત્સવ અને ચોમાસા દરમ્યાન વન વિભાગે 6 લાખ 69 હજાર વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક સાથે રોપાનું વાવેતર કર્યું છે. પરંતુ જિલ્લામાં વૃક્ષારોપણની દેખાડા ખાતર કામગીરી થતી હોવાથી ગત વર્ષે વાવેતર થયેલા રોપા આજે પૂર્ણ વૃક્ષમાં ભાગ્યે જ જોવા મળે છે.

મોટાભાગના વિસ્તારોમાં રોપાનું જતન ન થતાં નષ્ટ થઈ ગયા છે . દર વખતે વન વિભાગ રોપા ઉછેરનો ઉંચો લક્ષ્યાંક રાખે છે પરંતુ સરકારે લક્ષ્યાંક નક્કી થયા પછી બીજા વર્ષે તેમાંથી કેટલા રોપા પૂર્ણ વૃક્ષ બની શક્યા છે તેની તપાસ કરે તો મહીસાગર જિલ્લામાં વૃક્ષારોપણ અંતર્ગત ચાલતું તિકડમ બહાર આવે તેમ છે. જિલ્લામાં 72 મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા સામાજીક સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમો શરૂ કર્યા છે પરંતુ તેનું યોગ્ય જતન નહીં થાય તો રોપા ટૂંક સમયમાં જ નષ્ટ થવાની શક્યતાઓ છે . ત્યારે વન વિભાગ વન મહોત્સવના તાયફા કરવાને બદલે જંગલ વિસ્તારમાં જે વૃક્ષો હયાત છે તેની જ જાળવણી કરે તો પણ મોટો ઉપકાર પર્યાવરણ માટે માનવામાં આવે તેમ છે. પરંતુ આ બાબતે રાજ્યના વડા આંખ આડા કાન કરી ત્રણ ત્રણ અધિકારીઓને મલાઈ કમાવવા ચાર્જ આપે તેવું વન વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...