પાણી માટે પોકાર:કડાણાના 25 ગામમાં વાસ્મો યોજના સરકારી ચોપડે પૂર્ણ પરંતુ ઘરમાં પાણીનું ટીપું પણ નહીં

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી માટે મહિલાઓ સંઘર્ષ કરવા મજબૂર બની
  • વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચારનો લોકોનો અાક્ષેપ : રજૂઅાત કરી પણ નિરાકરણ નહીં

કડાણા ઉત્તર ભાગમાં વાસ્મો યોજના અંતર્ગત ઘેર ઘેર પાઈપ દ્વારા પાણી પહોંચાડવાની યોજના સરકારી ચોપડે શરૂ કરાઈ અને પૂર્ણ પણ થઇ ગઇ છે. પરંતુ હજુ સુધી પાણી ન મળતા એક દેગડા પાણી માટે મહિલાઓ સંઘર્ષ કરવા મજબુર બની છે. ત્યારે વાસ્મો યોજનામાં જે કામ કર્યું છે તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનોઅે અાક્ષેપ કર્યો છે.

કડાણા તાલુકાના જોગણ, વાછરાવાડા, તરકોળની નાળ, કરવાઈ, અમથાણી, નીનકાઘ, ગોધર, સરસ્વા સહિત 25 જેટલા ગામોમાં વાસ્મો દ્વારા કરેલી કામગીરીમાં લાંબી પાઇપ લાઇનો, પાણીની ટાંકી અને દરેક ઘરમાં પાણીનો નળ જોવા મળશે, પરંતુ આ નળમાં આજ સુધી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. અા અંગે સ્થાનિકોઅે અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ પણ કંઇ સાંભળતા ન હોય તેવું જણાવ્યુ છે. ગામમાં વાસ્મો યોજના અંતર્ગત ઘર સુધી પીવાનું પાણી પાઇપ લાઈન થકી મળે તે માટેની મંજૂરી આપી.

યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરી. તેનું કામ થયું, પરંતુ ગામ લોકોઅે અાક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટરો, સરપંચો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. કડાણા તાલુકાના 25 ગામોમાં પાઇપ લાઈન નાખી છે પરંતુ આ કામ ખુબ જ હલકી ગુણવત્તાવાળું અને બેદરકારીભર્યુ થયું છે. ગામમાં માત્ર 30થી 40 ટકા કામ કરી સરકારી ચોપડાઓ પર 100 ટકા કામ પુરી કરી દેવાયું છે. ઘર સુધી પાણી મળે તે માટે પાઈપલાઈનો નાખી છે, પરંતુ આજ દિવસ સુધી નળમાં એક પણ ટીપું પાણીનું આવ્યું નથી. જેને લઇને ગામલોકોએ વાસ્મો યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થવાના અાક્ષેપ સાથે ગામોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કોઈ પણ ગામમાં પાણી મળ્યું નથી
વાસ્મો યોજનાના આ એવા ગામો છે જે ગામોમાં સરકારી ચોપડે પાણી મળી ગયું છે. પરંતુ સ્થિતિ એવી છે કે કોઈ પણ ગામમાં પાણી મળ્યું નથી. અા અંગે વાસ્મો અધિકારીઓ પ્રાંતઅધિકારી અને 1962 નંબર ઉપર પણ આ ભ્રષ્ટાચાર અંગે રજુઆત કરી છે. >કાળુભાઇ ડામોર, કડાણા તાલુકા ભાજપ મહામંત્રી

નળમાં પાણી અાવે તેની રજૂઅાત કરાઇ
જોગણ ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણીની પાઈપ નાખી છે. અને નળ પણ આંગણામાં લગાવ્યા છે. પણ આજદિન સુધી પાણી આવ્યું નથી ઉનાળામાં અમને પાણીની બહુ તકલીફ પડે છે. જેથી વહેલીતકે નળમાં પાણી અાવે તેની રજુઅાત કરી છે.>નાથાભાઈ ડામોર, સ્થાનિક. જોગણ

અન્ય સમાચારો પણ છે...