ભાસ્કર વિશેષ:કડાણા તાલુકાના તલાટીઓએ ચાની કિટલી, પાનના ગલ્લાને પંચાયતની ઓફીસ બનાવી

દિવડાકોલોની10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી વગર પંચાયત ઘર સૂના હોવાથી અરજદારોમા રોષ વ્યાપ્યો

કડાણા તાલુકાના તલાટીઓ ગ્રામ પંચાયત પર જવાના બદલે ચાની કીટલી અને પાનના ગલ્લા ઉપર કામ કરવામાં મસ્ત રહેતા પંચાયત ઘર સૂના હોવાના ગંભીર આક્ષેપો સાથે અરજદારોમા રોષ ફેલાયો હોવાનું જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાય દિવસથી ગ્રામવાસીઓ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તલાટીઓ હમ નહિ સુધરેંગેનો મંત્ર અપનાવી વહીવટી તંત્રના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા હોવાનું ગ્રામજનો રોષપૂર્વક જણાવી રહ્યા છે.

દિવાળી પહેલા કડાણા તાલુકાની ખરસોલી ગ્રામ પંચાયત તલાટી લાંચ લેતા ઝડપાયા બાદ તાલુકાના તલાટી ગ્રામપંચાયત ઘર ઉપર ન જતા તાલુકાની ગ્રામ પંચાયત વિસ્તારના રહીશો કલાકો સુધી કચેરીએ આવી તલાટીની રાહ જોઈને વિલા મોઢે પરત ફરવા મજબૂર થાય છે. જ્યારે અરજદારો તલાટીઓનો સંપર્ક કરે છે. ત્યારે પાનના ગલ્લા અથવા ચાની કીટલી ઉપર હોવાનું જાણવા મળે છે. જ્યારે તાલુકાના લોકો સારા રસ્તાઓ, ગામમાં સ્વચ્છતા કરાવવી, પાણી માટેનું આયોજન, દાખલાઓ, નકલો સહિત રેકર્ડ તેમજ ઓનલાઇન સેવાઓ સહિત અનેક યોજનાઓથી વંચિત છે.

ત્યારે આ કામના જવાબદાર તલાટી કમ મંત્રીઓ લોકોની તકલીફથી અજાણ હોય તેમ પોતાની મસ્તીમાં મસ્ત હોવાની બૂમો ઉઠી રહી છે. સાથેજ ગ્રામપંચાયત લોકોની સુખાકારી માટે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ન કરીને પોતાના અંગત લાભ સેવતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તાલુકાના તલાટી અને સરપંચ યોગ્ય સંચાલન કરવામાં નબળા સાબિત થાય હોવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે.

ત્યારે TADA નો લાભ મેળવી મકાન ભાડે સાથેનો લાભ ઉઠાવતા તમામ તલાટીઓની રહેઠાણ અંગેની વિગતોની તપાસ થવી જરૂરી બન્ને સાથે જ દોષિત અને સરકારને ખોટા પુરાવાઓ આપી મેળવતા લાભો પરત લઇ,જે કાર્ય માટે વ્યવસ્થામાં જોડાયા છે. તે બાબતે જીલ્લા વિકાસ અધિકારી આવા બેજવાબદાર કર્મચારીઓ ના કાન મરોડે તેવી લોકમાંગ પ્રબળ બની છે.અત્રે ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકામાં ફરજ બજાવતા મોટાભાગના તલાટી ઓ પોતાના વતન અથવા અન્ય શહેરોમાં રહી અપડાઉન કરતા મોટાભાગે ગ્રામપંચાયત ઉપર તાળા લટકતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...