વિવાદ:કડાણાની 3 પંચાયતોને જ 50 લાખની ગ્રાન્ટ ફાળવતાં રોષ

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટની યાદી સોશિયલ મીડિયા ઉપર ફરતી થતાં ગરમાવો
  • 800 કરોડના વિકાસ કામો કર્યા છે, કોઇને અન્યાય નહીં થાય : મંત્રી

કડાણા તાલુકામાં રાજ્ય કક્ષાની 50 લાખની ગ્રાન્ટ માત્ર ત્રણ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવી હોવાની યાદી સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી. કડાણા,સંતરામપુર ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા કડાણા તાલુકાની ત્રણ પંચાયતોને ફાળવવામાં આવેલ 50 લાખની ગ્રાન્ટની ફાળવણીની યાદી સોશિયલ મીડિયા ફરતી થયા બાદ બુધવારે તાલુકા ભાજપ પ્રમુખ અંબાલાલ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ તેમજ તાલુકાના સરપંચો વચ્ચે 50 લાખની ગ્રાન્ટને લઇ અનેક અટકળો ચાલી હતી.

જેમા સરપંચો દ્વારા જણાવ્યું હતું કે ત્રણ પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં આવી તો અન્ય પંચાયતો સાથે કેમ અન્યાય કરવામાં આવ્યો. જ્યારે આ બાબતે બન્ને પ્રમુખ દ્વારા સત્ય હકીકત જાણ્યા બાદ સરપંચ સંઘ ટીડીઓનેે રજુઆત કરવા પહોંચ્યો હતો. માત્ર 3પંચાયતોમાં બચકરીયા મા રૂા.20 લાખ, ભુલ પંચાયતને રૂા.20 લાખ અને મહાપુરને રૂા.10 લાખની ગ્રાન્ટ ફાળવવમાં અાવી હોવાનું સોસીયલ મીડીયામાં વાયરલ થયુ હતું.

હું બધાને સાથે લઈને ચાલવામાં માનું છું
આ ઉપજાવી કાઢેલી વાતો છે. મેં આવી કોઈ ગ્રાન્ટ માટે રજુઆત કરી નથી અને આ બધું લોકોને ભ્રમિત કરવા ખોટી રીતે મારુ નામ જોડવામાં આવી રહ્યુ છે. હું બધાને સાથે લઈને ચાલવામાં માનું છું મારા માટે બધા સરખા છે અને સાચી હકીકત સામે આવશે કોઈએ નારાજ થવાની જરૂર નથી.અત્યાર સુધી મારી વિધાન સભામાં 800 કરોડના વિકાસના કામો કર્યા છે અને દરેકને ન્યાય આપ્યો છે અને દરેકને તબક્કા વાર લાભ આપવામાં આવે છે આ બધા ખોટા આક્ષેપો છે. - કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય, સંતરામપુર - કડાણા

વહીવટી મંજૂરી માટે કાર્યવાહી કરવામાં આવે છે
આ TASP ની ગ્રાન્ટ છે જેમા પ્રયોજન અધિકારી અને રાજકીય આગેવાનો દ્વારા કામો માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવે છે અને ત્યાર બાદ વહીવટી મંજુરી માટે તાલુકા પંચાયત ખાતેથી વહીવટી મંજુરી માટે કાર્યવાહી કરવામાં આવે છે. - ડી.કે.ગરાસિયા, તાલુકા વિકાસ અધિકારી, કડાણા

અન્ય સમાચારો પણ છે...