કડાણા જળાશયમાં ગત વર્ષે (બકેટ) નીચાણ વિસ્તારમાં કામ કર્યાના એક મહિના બાદ જ તે ધોવાઇ ગયું હતું. ત્યારે તે જ કોન્ટ્રાક્ટરને પુનઃ ડેમની મરામતની કામગીરી સોંપાતા ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જીલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ બન્યાને 50 વર્ષ જેટલો સમય થઈ ચુક્યો છે.
ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા અવાર નવાર ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મરામત કામગીરી હાથ ધરવામાં આવે છે. પરતું આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષે કડાણા ડેમ ગેટ નંબર 18થી 21ના નિચાળ વિસ્તારમાં આવેલ બકેટના ભાગમાં 30 ફુટ મોટો ખાડો પડ્યો હોવાનું જણાતાં સરકારે 13 કરોડના ખર્ચે આ ભાગની મરામતનું કામ કરાવ્યું હતું.
પરંતુ એક માસના ટુંકા ગાળામાં ડેમમાંથી છોડવામાં આવેલ પ્રથમ પાણીના વહેણમાં બકેટ ભાગમાં કરવામાં આવેલ પ્લાસ્ટર સાથે વપરાયેલ જાળીઓ તણાઈ લુણાવાડાના હાડોડ પુલ પાસે આવી ગઇ હતી. જે પણ ચર્ચાનો વિષય બની હતી. સાથે આ કામમાં ગેરરીતિ થઇ હોવાની પણ ચર્ચા હતી. ઉલ્લેખનિય છે કે, આવી નબળી કામગીરી કરનાર ઈજારદારને જ ચાલુ વર્ષે પણ કામ સોંપવામાં આવ્યું છે ત્યારે અનેક સવાલો ઉઠ્યાં છે. લોકોમાં ચર્ચા છે કે આવા કામ અંગે તપાસ કરવામાં કેમ નથી આવતી?
કામગીરી કરનારને અોનલાઇન ટેન્ડર અંતર્ગત કામ આપવામાં આવ્યું છે
કડાણા જળાશયની પાળીઅોનું અોનલાઇન ટેન્ડર બહાર પાડેલું હતું. તેમાં અા કોન્ટ્રાકટરને કામ મળ્યુ છે. અા કામ ફક્ત 15 કે 17 લાખનું છે. ગત વર્ષે જળાશયના બકેટ પાસેની કામગીરી કરનારને અોનલાઇન ટેન્ડરના પ્રોસેસ અંતર્ગત કામ મળ્યું છે. - અાર.જી.ધનકર, અધિક્ષક ઇજનેશ, કડાણા યોજના વર્તુળ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.