ભાસ્કર ઇમ્પેક્ટ:કડાણા અને સંતરામપુરના 30 ગામોમાં ટેન્કરથી 15 લાખ લિ. પાણી પહોંચાડ્યું

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિ’માં 12 ટેન્કરોથી 30 ગામોમાં પીવાનું પાણી મોકલ્યું
  • 2014માં પાણીની સમસ્યા વિકટ બનતા ટેન્કરો મારફતે ગામોમાં પીવાનું પાણી પુરુ પડાયું

સંતરામપુર - કડાણા તાલુકાના 134 જેટલા ગામોમાં 1 માસથી પીવાના પાણી માટે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે જ્યારે ઉનાળો આકરો બન્યો છે ત્યારે પાણીના ટીપે ટીપા માટે લોકો અને પશુ વલખા મારી રહ્યા છે. પીવાના પાણી માટે રઝળપાટ કરતા લોકોને ઉનાળાની ગરમીમાં ઘર આંગણે પાણી મળે તે માટે ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા પાણી પુરવઠા (સિવિલ) વિભાગ દ્વારા કરી છે.

1 માસથી પીવાના પાણી માટે વલખાં મારી ત્રાહીમામ પોકારેલ પ્રજા માટે આખરે પાણી પુરવઠા વિભાગ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે 12 ટેન્કરો મારફતે છેલ્લા ત્રણ દિવસમાં ચૂંથાના મુવાડા, ગોધર, નાની ખરસોલી, લપણીયા, ખેરવા, લીમડી, વાયોના મુવાડા મળી 30 ગામોમાં પીવાનું પાણી પહોંચાડ્યું છે. જેમાં 22000 લીટર ક્ષમતાવાળા 5 અને 5000 લીટર ક્ષમતાવાળા 7 ટેન્કર દ્વારા રાત-દિવસ પાણી પુરું પડાઇ રહ્યું છે.

ત્યારે જે ગામોમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નથી મળ્યું ત્યાં પહેલા પાણી પુરુ પાડવા માટે આયોજન કર્યું છે. પાણી પુરવઠા (યાત્રિક) વિભાગ દ્વારા પાછલા 1 માસમાં માત્ર 1 મોટર કાર્યરત કરતા 2 તાલુકાની પ્રજાને આ સ્થિતિમાં પાણી પુરું પાડવું અશક્ય હોવાનુ સ્પષ્ટ સાબિત થયુ હતું. આખરે કોઈ વિકલ્પ ન બચતા પાણી પુરવઠા (સિવિલ) વિભાગ દ્વારા પોતે ગામે ગામ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી લીધી.

જ્યા સુધી અન્ય મોટર રીપેરીંગ નહીં થાય ત્યાં સુધી બે તાલુકામાં પાણીની વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડશે તેમજ કોઈ ગામમાં ટેન્કર ની વ્યવસ્થા હોય અને પાણી લઇ જવા માંગતા હોય તો મારુંવાડા કેનાલ પાસે આવેલ સ્ટેશન ઉપરથી વિના મૂલ્યે પાણી ભરી આપશે તેવું પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવ્યું હતું .

મોટર રિપેરિંગ ન થાય ત્યા સુધી ટેન્કરથી પાણી મળશે
હાલમાં એક મોટર ચાલુ છે. આ સ્થિતિમાં પાઈપ લાઈન દ્વારા પાણી પુરું પડવું અશક્ય છે. અમારા મુખ્ય ઈજનેર અને અધીક્ષક ની સૂચનાથી અત્યારે આ ગામોમાં જ્યા સુધી મોટર રીપેરીંગ નહિ થાય ત્યાં સુધી ટેન્કરો મારફતે પાણી પહોંચાડશે.>પ્રતીક પીઠવા, કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા સિવિલ

અન્ય સમાચારો પણ છે...