પાણીની સમસ્યા:વડદલા ગામની મહિલાઓ 4 કિમી ચાલી પાણી મેળવવા મજબૂર બની

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોરના વડદલા ગામની મહિલાઓ પીવાના પાણી માટે 4 કિ.મી. ચાલે છે. ગામના કૂવા પણ સૂકાઈ ગયા છે. - Divya Bhaskar
બાલાસિનોરના વડદલા ગામની મહિલાઓ પીવાના પાણી માટે 4 કિ.મી. ચાલે છે. ગામના કૂવા પણ સૂકાઈ ગયા છે.
  • ગામમાં પીવાની પાણીની યોજના ફક્ત કાગળો પર હોવાનો આક્ષેપ
  • ગામના નદી, નાળા તથા કૂવાઓ પાણી વગર સૂકાઇ ખાલીખમ થઇ ગયા

મહીસાગર જિ.ના બાલાસિનોરનું વડદલા અંદાજિત 15 હજારની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. પરંતુ આ આખુંય ગામ પીવાના પાણી માટે વલખાં મારે છે. સરકારની અનેક યોજનાઓ ગ્રામ પંચાયત વિસ્તારમાં આપવામાં આવી અને કરોડોનો ખર્ચ પણ બતાવાયો પરંતુ આ યોજનાઓ માત્ર કાગળ પર જ બતાવી કરોડો રૂપિયા ચાંઉ કરી ગયા હોવાનો ગામજનોએ આક્ષેપ કર્યો છે. આખુંય ગામ ઉનાળો આવતાની સાથે પીવાના પાણી માટે ઝંખે છે.

15-15 દિવસે એક જ વાર પાણી આવે છે. જેના કારણે પાણી લેવા 4થી 5 કિમી જવું તે પણ મહિલાઓ અને બાળકો માટે અઘરું છે. જવા આવવાના થઇ 8 કિમી ચાલ્યા બાદ માત્ર પીવાનું જ પાણી આવી રહ્યું છે. પશુઓ માટેનું પાણી તો મુશ્કેલ છે. ગામ લોકોએ અનેકવાર સરપંચ સહિત તાલુકાના મામલતદાર પ્રાંત સહિત ટીડીઓને રજૂઆતો કરી છે. મહિલાઓએ માટલાઓ લઇ મામલતદાર અને પ્રાંતને આવેદન આપી પાણીની માગ કરી છે. પરંતુ આજ દિન સુધી ટીપુંય પાણી અહીં પહોંચ્યું નથી.

વડદલા ગામમાં પાણીના તમામ સ્રોત સૂકાઇ ગયા છે
વડદલા ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળો આવતાની સાથે જ નદી નાળા કોતરો કૂવા સહિત પાણીના સમ્પો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે કિલોમીટરો સુધી અન્ય ગામમાં જઈને કૂવામાંથી પાણી લાવતી મહિલાઓ હેરાન પરેશાન બની છે. નલ સે જલ યોજના અંતર્ગત આ ગામમાં ઘરે ઘરે પાણી મળે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા પાણી પુરવઠા વાસ્મો યોજનાને અપાયા હતા. પરંતુ આ યોજના માત્રને માત્ર કાગળ પર જ રહી છે. કરોડોના ખર્ચ બાદ પણ એક ટીપુંય પાણી ગામ પંચાયત વિસ્તારમાં મળ્યું નથી.

ગામમાં 15 દિવસે એક વાર 20 મિનિટ પાણી આવે છે
અમારા વડદલા ગામે 15 દિવસમાં એક જ વખત 20 મિનિટ પાણી આવે છે. ગામમાં બોર અને કૂવામાં પાણી આવતું નથી. સાથે નળમાં પણ પાણી આવતું નથી. જેથી ગામની મહિલાઓને 4 કિ.મી ચાલીને પાણી લેવા જવું પડે છે. અમે અનેકવાર રજૂઆત કરી પણ હજુ સુધી પાણી પહોંચ્યું નથી. - સોનલ પટેલ, સ્થાનિક મહિલા

અન્ય સમાચારો પણ છે...