તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિટર ટીચર બાળકોને શું ભણાવે?:ખેડાના ગઠીયા પ્રાથમિક શાળાના શિક્ષકની 59 લાખની છેતરપિંડીમાં ધરપકડ

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી શિક્ષક સિરાજ સૈયદ - Divya Bhaskar
આરોપી શિક્ષક સિરાજ સૈયદ
  • જમીન દલાલીમાં શિક્ષક સિરાજે રૂપિયા દબાવ્યાની ફરિયાદ
  • શિક્ષકના અન્ય ગુનાઓ પણ બહાર આવે તેવી સંભાવના

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગઠીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સિરાજભાઈ રૂકમુદ્દીન સૈયદ સામે 59 લાખ રૂપિયા ગેરકાયદે દબાવી દેવાની ફરીયાદ નોંધાઈ હતી. બાલાસિનોર ખાતે રહેતા સિરાજભાઈની જમીનની દલાલીમાં 59 લાખની છેતરપિંડીનાં આરોપસર બાલાસિનોર પોલીસે ધરપકડ કરી છે.

ખેડા તેમજ મહીસાગર જિલ્લાના શિક્ષણજગતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આરોપી શિક્ષકને કોર્ટમાં હાજર કરી વધુ તપાસ માટે રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આ અંગે બાલાસિનોર પોલીસના જણાવ્યા અનુસાર બાલાસિનોરના જમિયતપુરાના રહીશ સુનિલભાઈ અરજણભાઇ પટેલે વર્ષ 2018માં વડદલા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સિટી સર્વે નંબર 1386 પૈકી ખાતા નંબર 1777 વાળી પિયતની જમીન અલીરાજાભાઈ પાસેથી ખરીદી હતી. જેના 59 લાખ ચૂકવ્યા હતા. સિરાજભાઈ સૈયદ દ્વારા પોતે દલાલ બનીને અલીરાજાભાઈ પાસેથી સુભાષભાઈ અરવિંદભાઈ પટેલ અને તેમના ભાગીદારોને વધુ કિંમતે જમીન અપાવી હતી.

જેને પગલે અગાઉ જમીન રાખનાર ફરિયાદીના 59 લાખ સુભાષભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે તેમ કહ્યું હતું. જો કે, આરોપી શિક્ષક અને દલાલ બનેલા સિરાજ સૈયદે આ 59 લાખ પોતાની પાસે મેળવી લઈને ફરિયાદીને આપ્યા જ ન હતા. આ બાબતની જાણ થતા ફરિયાદીએ આરોપી પાસેથી રકમ પરત માંગી હતી. જેથી મનમાં પૈસા દબાવી દેવાની લાલચના કારણે સિરાજભાઈએ 500ની એક નોટ મૂકી બાકીના કાગળના બંડલો બનાવીને છેતરવાનો કારસો ઘડી નાખ્યો હતો.

વિનુભાઇએ આ બાબતની જાણ ફરિયાદીને અગાઉથી કરી દીધી હોવાથી આરોપીની બદ દાનત જાહેર થઈ ગઈ હતી. જેને પગલે તા.26/06/2021ના રોજ ફરીયાદી સુનિલભાઈ પટેલે બાલાસિનોર પોલીસને છેતરપિંડી કરવા બદલ સિરાજ સૈયદ સામે કાર્યવાહીની માગ કરી હતી. જેને પગલે બાલાસિનોર પોલીસે 59 લાખની છેતરપિંડી કરનાર આરોપી શિક્ષકને લુણાવાડાથી ઝડપી પાડ્યો છે. તેમજ તેનો કોવિડ રીપોર્ટ કરાવી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

શિક્ષકના અન્ય કારસ્તાન જાહેર થાય તેવી સંભાવના
બાલાસિનોરમાં રહેતા અને કઠલાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સિરાજભાઈને 59 લાખની છેતરપિંડીમાં ધરપકડ બાદ તેની વધુ કરતૂતો બહાર આવે તેવી શક્યતાઓ છે. તેમજ વગદાર માથાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા આ શિક્ષક દ્વારા અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની વાતો નગરમાં ચર્ચાઈ રહી છે. તેમજ તેની સાથે સંડોવાયેલા ઈસમો પોતાના નામ ન ખુલે તે માટે મથામણ કરી રહ્યા છે.

શિક્ષકના દુષણો બાળકોના મન પર ઘેરી અસર કરે છે
છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર શિક્ષકોના કારસ્તાન બહાર આવે છે. કેટલીક શાળાઓમાં શિક્ષકો મોબાઇલ પર ચેટીંગ કરીને સામેવાળી વ્યક્તિ પાસે બિભત્સ વ્યવહાર કરતા હોય છે અને બાળકોને પણ બતાવતા હોય છે. જેથી બાળકોના કુમળા મન પર વિપરીત અસર પડે છે. શિક્ષકોની અંદરો- અંદરની બબાલ પણ બાળકોના અભ્યાસ પર અસર કરતી હોય છે. જેને લઇને વાલીઓમાં રોષ જોવા મળે છે. વાલીઓએ અગાઉ પણ આવા કીસ્સાઓ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...