આક્ષેપ:પાંડવા ગામે PM આવાસ યોજનામાં લાભાર્થી પાસેથી પૈસા પડાવનાર બરતરફ

બાલસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર તાલુકાની પાંડવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર(વી.સી) પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો વર્ક ઑર્ડર બનાવી લાભાર્થી પાસેથી રૂપિયા પડાવતો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ આજે તેને પંચાયતના અધિકારીના પદેથી બરતરફ કરાવાનો આદેશ કરાયો છે.

મળતી માહિતીનુસાર, બાલાસિનોર તાલુકાના પાંડવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મિતુલ હેમંતકુમાર સેવક અને તેના પિતા હેમંત દેવશંકર સેવકે પાંડવાના રજનીભાઈ બાલાશંકર સેવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો વર્ક ઑર્ડર આપ્યો હતો. જેના બદલામાં તેમની પાસેથી રૂપિયા 23000 કટકી કર્યાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. સાથે જ બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી એસ.કે.મનાત દ્ધારા તપાસ ટીમની રચના કરી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આરોપીઓનો ગુનો સાબિત થતાં આજરોજ પાંડવા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને સરપંચ દ્ધારા વી.સી મિતુલ સેવક સામે તેઓની વી.સીની ફરજ પ્રત્યેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કટકી કરનાર મિતુલ હેમંતભાઈ સેવકે અને તેઓના પિતા હેમંત દેવશંકર સેવકે લોકો અને લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓમાં લાભ અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપીંડી કરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...