હલ્લાબોલ:બાલાસિનોરમાં બસોના રૂટો બંધ થતાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપો મેનેજરને વારંવાર રજૂઆત છતાં બસ શરૂ ના થતાં મામલો બિચકયો

ડેપો મેનેજરને કોઠંબા તેમજ માલ ઈટાડી રૂટની એસટી બસ શરૂ કરવાની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો ન આવતા આખરે કોલેજના વિદ્યાર્થીઓએ બાલાસિનોર ડેપો માં હલ્લાબોલ કરીને અવાજ ઉઠાવ્યો હતો. આશરે 200થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ ડેપોમાં પહોંચી જઈને સૂત્રોચાર સાથે બંને ગામની બસો શરૂ કરવાની માંગણી કરી હતી.

બાલાસિનોર ખાતે કોઠંબા તેમજ માલઈટાડી તરફથી આવતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ શરૂ કરવા માટે અવાર નવાર ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. તેમ છતાં રૂટ શરૂ કરવામાં ના આવતાં વિદ્યાર્થીઓ ગિન્નાયા હતા.છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે ત્યારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ રૂટના અભાવે ભારે હેરાનગતિ થઈ રહી હતી.જેને પગલે આજરોજ એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓની માંગણી ધ્યાને લઇને આશરે 200 વિદ્યાર્થીઓ સાથે બાલાસિનોર ડેપોમાં હલ્લાબોલ કર્યું હતું.ભારે સૂત્રોચ્ચાર અને ડેપોના રોડ ઉપર કેટલાક વિધાર્થીઓએ સૂઈ ગયા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસી જતાં એસટી બસો અટકી જવા પામી હતી.જ્યારે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.

સમગ્ર મામલો ગરમાયો હોવાને કારણે પોલીસ પહોંચ્યા બાદ વિરપુરથી ડેપો મેનેજર પણ પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને સમજાવીને સોમવારથી બસ રૂટ શરૂ કરી દેવાની ખાતરી આપી હતી. જેને પગલે વિદ્યાર્થીઓ માની ગયા હતા અને બસ રૂટ શરૂ કરવાની બાંહેધરી લીધી બાદ ચક્કાજામ હટાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...