સોમવારે ફૂકાયેલા મીની વાવાઝોડાના કારણે રાપર પંથક તથા ભચાઉ તાલુકાના આધોઈ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા એરંડા, રાયડો, જીરુ, વરિયાળી સહિતની પેદાશો તેમજ બાગાયતી પાકોને ભારે નુક્સાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રાપર તાલુકાના ખેંગારપર તેમજ આજુબાજુ વિસ્તારમાં ખેતરોમા ઉભેલા વરિયાળી, અરેંડા, રાયડો જેવા પાકોમા ભારે નુકસાની થઇ હતી. આવીજ રીતે રવ, બાલાસર સહિતનાં વિસ્તારોમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
ભચાઉ તાલુકાના આધોઇ, લખપત, રામપર હલરા, ગમડાઉ, નરા, તોરણીયા, વામકા, કંથકોટ, જડસા વગેરે ગામોમાં તેજ ગતિ સાથે પવન ફૂંકાયો હતો જેના પગલે વૃક્ષો ધરાશાયી થયા હતા તો અમુક ઘરના નળિયા અને છાપરા ઉડવાના બનાવ બન્યા હતા. આધોઇ ગામના ખેડૂત પેથા દેવજી પટેલે જણાવ્યું હતું કે તેમની વાડીમાં ચીકુના કાચા ફળ ઝાડમાંથી નીચે પટકાયા હતા તો આંબાના વૃક્ષોની ડાળીઓ તૂટી જવાની સાથેમોટા પ્રમાણમાં કાચી કેરીઓ ખરી ગઈ હતી.
અન્ય કિસાનોને પણ ભારે નુકસાન થયું હતું. કંથકોટના માજી સરપંચ ખેંગારભાઈ મણકાએ તેમના ગામમાં એરંડા, રાયડો, જીરુ, વરિયાળી સહિતના પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેતાં સરકાર વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવશે તેવી અપેક્ષા છે તેમ જણાવ્યું હતું. વામકાના રામાભાઇ અરજણ રબારીએ પણ તેમના ગામમાં પણ ઉભેલા પાકોને ભારે નુકસાન થયું હોવાનું કહ્યું હતું.
ખેડૂતોને વળતર ચૂકવવા રાજકીય અગ્રણીઓની માગ
ભચાઉ અને રાપર પંથકમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાથી કિસાનોને થયેલા નુક્સાનનું વળતર ચૂકવવા મુખ્યમંત્રી સમક્ષ માગ કરાઇ હતી. આ અંગે ભચાઉ તાલુકા કોંગ્રેસના પ્રમુખ બળવંતસિહ જાડેજા, ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા હમીરા આહિરે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખેત પેદાશો ઉપરાંત દાડમ, કેરી અને શાકભાજીને વ્યાપક નુક્સાન થયું છે જેની મોજણી કરીને સરકાર દ્વારા વળતર ચૂકવાય તેવી માગ કરાઇ હતી. તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ખેંગાર સંઘારે પણ મુખ્યમંત્રીને પત્ર પાડવી સહાય આપવા માગણી મૂકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.