ચૂંટણી જો ચક્કર વિધાનસભા-2022:વાગડ આ વખતે કોને કરશે આગળ : કોના પર કળશ ઢોળશે ? અનુમાન મુશ્કેલ

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપર વિધાનસભામાં કોળી, પાટીદાર, રાજપૂત, ક્ષત્રિય, આહીર, રબારી, જ્ઞાતિના મતો નિર્ણાયક
  • મત વિસ્તારમાં પીવાના પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, જેવી પાયાની સુવિધાનો છે અભાવ

દીપુભા જાડેજા: વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને તા.1-12ના મતદાન થવાનું છે ત્યારે કચ્છમાં અલગ તરી અાવતો વાગડ વિસ્તાર આ વખતે કોના ઉપર કળશ ઢોળશે તેનું અનુમાન લગાવવું રાજકીય પંડિતો માટે પણ હંમેશાની જેમ માથાના દુ:ખાવારૂપ છે. રાપર મત વિસ્તારમાં પાણી, રસ્તા, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઅોનો અભાવ છે અને કોળી, પાટીદાર, રાજપૂત, ક્ષત્રિય, આહીર, રબારી અને અનુસૂચિત જાતિના મતો નિર્ણાયક રહેશે ત્યારે રાપર મત વિસ્તારના 2,47,463 મતદારો તા.1-12ના ભાવિ ધારાસભ્યનું ભવિષ્ય નક્કી કરશે.

આ વાગડ વિસ્તારની રાપર વિધાનસભા એક એવી બેઠક છે જયાં વિકાસ માત્ર કાગળ પર છે અને વિવિધ પક્ષો દ્વારા સમયાંતરે વાગડ રહેશે આગળના સૂત્રો અપાયા છે. હકીકતે અહીં પીવાના પાણીથી લઈ રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે વાગડવાસીઓ અાગળ રહેવાના બદલે ઘણા પાછળ છે. અેકમાત્ર નર્મદા કેનાલ આવવાથી થોડો ઘણો વિસ્તાર નંદનવન બનવા તરફ અને નર્મદાના પાણી થકી જ સમગ્ર કચ્છમાં સૌથી વધુ વાવેતરમાં અગ્રેસર રહે છે.

જો પૂરા તાલુકાને નર્મદાના નીર મળે તો સમગ્ર ગુજરાતમાં વાગડ વિસ્તાર વાવેતરમાં અગ્રેસર રહે તેમ છે, કારણ કે, અહીંના લોકો જાત મહેનત સાથે એક માત્ર ઉદ્યોગ ખેતીમાં જ પારંગત છે. અહીં જીઆઇડીસી, સાથોસાથ પેટા કેનાલોના ઝડપી કામો કરવા અને કમાન્ડ વિસ્તારોમાં પીયત માટે પાણી જેવી સુવિધાઓ પુરી પડાય તો કદાચ આવનારા દિવસોમાં વાગડ આગળ રહેશે.

ભાજપ માટે અા બેઠક હંમેશાં સત્યના પારખા સમાન
ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે, જેમા આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવાર આંબાભાઈ ગજોરાને મેદાનમાં ઉતારી દીધા છે, તો કોંગ્રેસ તરફે પણ ચાલુ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઈ આરેઠિયા હાલે નિશ્ચિત મનાય છે. તો ભાજપ માટે આ બેઠક હંમેશા સત્યના પારખા સમાન રહી છે એટલે કે, અહીં જૈન અને પાટીદારો ઉપર હંમેશા દાવ અજમાવાય છે ત્યારે હાલે પણ ભાજપ દ્વારા કાંઈ નવું કરાય તેવા કોઈ સંજોગો નથી દેખાતા.

1962થી અત્યાર સુધી કોણે બાજી મારી
1962થી અત્યાર સુધીના ચૂંટણીના પરિણામોની વાત કરીઅે તો 1962માં સ્વતંત્ર પક્ષના જાદવજી મોરબિયા 1967માં બી. ગજસિંહજી, 1972માં કોંગ્રેસના પ્રેમચંદ ઉત્તમચંદ મોરબિયા, 1975માં કોંગ્રેસમાંથી હરિલાલ નાનજી પટેલ, 1980માં પ્રથમ વખત ભાજપમાંથી બાબુલાલ મેંઘજી શાહ ચૂંટાઇ અાવ્યા હતા. ત્યારબાદ 1985 અને 1990માં હરિલાલ નાનજી પટેલ, 1995માં રાજપામાંથી બાબુલાલ મેઘજી શાહ, 1998માં ભાજપ તરફી ધીરુભાઈ શાહ જીત્યા અને વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા. જો કે, ફરી 2002માં ધીરુભાઈને હરાવીને બાબુલાલ મેઘજી શાહ ચૂંટાયા હતા. 2007માં બાબુભાઇ શાહ, 2012 માં વાઘજી ધરમશી વાવિયા જીત્યા. જો કે, તેમના અવસાન બાદ યોજાયેલી પેટા ચૂંટણી 2014માં પંકજભાઈ મહેતા જીત્યા અને 2017માં પંકજભાઈને હરાવીને સંતોકબેન આરેઠિયાઅે બાજી મારી હતી.

જ્ઞાતિવાર મતદારોમાં સાૈથી વધુ કોલી સમાજના 43,724 મતદાતા
રાપર મત વિસ્તારમાં જ્ઞાતિવાર મતદારોની વાત કરીઅે તો અહીં સૌથી વધુ કોલી મતદારો છે, જેમાં કોલી જ્ઞાતિના મતદારો હાલે 43,724 અને પારકરા કોલીના મતદારોની સંખ્યા 7 હજારની આસપાસ છે. કુલ મળી 50 હજારની આસપાસ કોલી-ઠાકોર મતદારો છે. બીજા નંબરે લેઉઆ પાટીદાર જ્ઞાતિ અાવે છે, જે સમાજના મતદારો 34,154 છે. ત્રીજા નંબરે રાજપૂત સમાજના 23,723 મતદારોનો સમાવેશ થાય છે. ત્યારબાદ અનુસૂચિત જાતિના 23,642, મુસ્લિમ 18,000, આહીર 16,910, ક્ષત્રિય દરબાર 15,002, રબારી સમાજના મતદારો 20,160 છે, જે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.

રાપર વર્ષોથી રેલવે સેવાથી બાકાત રાપર મત વિસ્તારમાં અારોગ્ય, પાણી, શિક્ષણ સહિત પાયાની સુવિધા અપૂરતી છે જ સાથે-સાથે રાપર વર્ષોથી રેલવે સેવાથી બાકાત છે. રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ધંધાર્થે મુંબઇ કે, અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે ત્યારે વર્ષો જૂનો રેલવે કનેક્ટિવીટીનો પ્રશ્ન હજુપણ યથાવત રહ્યો છે. 2,47,463 મતદારો ચૂંટી કાઢશે મુરતિયો રાપર વિધાનસભા મત વિસ્તારમાં 15,164 પુરૂષ અને 15,908 મહિલા મળી કુલ 31,072 મતદારોનો વધારો થયો છે અને અા સાથે વર્તમાન સમયે 1,29,683 પુરૂષ, 1,17,779 મહિલા અને 1 અન્ય મળી કુલ 2,47,463 મતદારો પસંદગીના મુરતિયાને ચૂંટી કાઢશે. ભચાઉ તાલુકાનું ખડીર રાપર મત વિસ્તાર હેઠળ મહેસૂલી ધોરણે ખડીર વિસ્તાર ભચાઉ તાલુકામાં અાવે છે પરંતુ દર વખતની જેમ અા વખતે પણ રાપર વિધાનસભા મત વિસ્તારમાં અાવે છે ત્યારે અા વિસ્તારમાં પણ પાયાની સુવિધાની સાથેસાથે પ્રવાસન ક્ષેત્રે વિકસતા અા વિસ્તારમાં વધુ સવલતો ઉભી કરવાની તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...