રાપરના પ્રેમ સાગર (ખાંડોળા) ડેમનું 7 વર્ષ અગાઉ આવેલા ભારે વરસાદમાં ધોવાણ થયું હતું જેની વિવિધ જન પ્રતિનિધિઓએ કરેલી રજુઆતની અંતે રાજ્યના સિંચાઇ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા 25 લાખના ખર્ચે સમારકામ કરાતાં આસપાસ વાડી ધરાવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી.શહેર કોંગ્રેસ પ્રમુખ મિતુલ મોરબિયાએ જણાવ્યુ હતું કે તેમના દાદાના નામ ઉપર તે વખતના ધારાસભ્ય પ્રેમચંદ મોરબિયા દ્વારા ડેમનું નિર્માણ કરાયું હતું.
વર્ષ 2015મા આવેલ અતિ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયો હતો જેની સિંચાઇ વિભાગ અને જિલ્લા પંચાયતમાં પોતે તેમજ રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા દ્વારા કરાઈ હતી. પૂર્વ નાણાંમંત્રી બાબુભાઇ મેઘજીભાઈ શાહે પણ ભારપૂર્વક રજુઆતો કરી હતી જેના પગલે ડેમ રિપેરીંગ કરવા માટે રકમ ફાળવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. નગરપાલિકાએ પણ તાલુકા, જિલ્લા ભાજપ અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હોવાનું નગર પ્રમુખ અમરતબેન વાવીયા અને ઉપ પ્રમુખ ભીખુભા સોઢાએ જણાવ્યું હતું.
આખરે વર્ષોથી ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલા ખંડોળા ડેમનું મરમ્મત કામ શરૂ કરાતાં આગામી ચોમાસામાં આસપાસના બોર કૂવા રિચાર્જ થવાના કારણે શહેરીજનોને પીવાના પાણીની વધુ એક સુવિધા મળી રહેશે તેવો આશાવાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ ધારાસભ્યના પતિ ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે ડેમ રીપેરીંગની રજુઆત શહેર કોંગ્રેસ પ્રમુખે જ કરી છે અને ભાજપ વાળા હંમેશાની જેમ આ વખતે પણ માત્ર જસ ખાટવા પૂરતા દેખાઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.