આક્ષેપ:અમરાપરમાં ધારાસભ્યનો ખેસ ખેંચાયો

રાપર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપર બેઠક પર ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસના હરીફો વચ્ચે ભારે ‘ગરમી’
  • ગાડીઓના કાફલા પર પથ્થર પડ્યા અને પછી ધક્કામુકી કરવામાં આવી હોવાનો આક્ષેપ

કચ્છની છએછ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ ઉગ્ર પ્રચાર ધરાવતી અને રાજકારણના શામ, દંડ, ભેદ દામ એ તમામ પાસાઓને ઉજાગર કરતી રાપર બેઠક પર આજે કચ્છના ચૂંટણી ઇતિહાસનું એક કલંક લાગ્યું હતું, લોકશાહીનો યજ્ઞ શાંતિથી પૂર્ણ થાય તે ઉદેશથી આ ગંભીર મુદ્દે પોલીસ ફરિયાદ નથી કરી તેવું કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું.

રાપર બેઠકના વર્તમાન ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા પોતાના પતિ ભચુભાઇ આરેઠિયાના પ્રચારાર્થે અમરાપર (ખડીર) પહોંચ્યા ત્યારે તેમની દશેક ગાડીઓના કાફલામાં આગળ રહશેલી ગાડીઓ પર પથ્થર ફેંકાતા બે કાર્યકરો નીચે ઉતરી એ પથ્થર ફેંકનારાઓને અટકાવ્યા હતા તે દરમિયાન અમુક તોફાની તત્વોએ ગાડીમાંથી નીચે ઉતરેલા કાર્યકરો અને મહિલા ધારાસભ્ય સાથે ગરમાગરમી કરી ધક્કે ચડાવ્યા હતા અને ગળામાં બંધાયેલા કોંગ્રેસના ખેસ ખેંચ્યા હતા તેવો ગંભીર આક્ષેપ ઉમેદવાર ભચુભાઇ આરેઠિયાએ ફોન પર દિવ્યભાસ્કરની સાથેની વાતચીતમાં કર્યો હતો અને આ મુદ્દો કોઇ પોલીસ ફરિયાદ નોંધાવી કે કેમ તેવી પુછપરછના પ્રત્યુતરમાં એક આગેવાનનો નામજોગ ઉલ્લેખ કરી તેમની ખાત્રી મળતા ફરીયાદ ટાળી હોવાનું તથા ચૂંટણી શાંતિથી પુરી થાય અને વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આ ઉમેદવારે અગાઉ રવ ગામે પણ છરી બતાવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો જેને પગલે તેમના હરિફ અને ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ તંત્રને પત્રી લખી કોંગ્રેસના ઉમેદવારને પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમરાપર (ખડીર)ના બબાલનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયો છે અને ભાજપના ગુંડાતત્વો જેવો શબ્દ પ્રયોગ ખુદ ઉમેવાર પોતાના પ્રચારમાં કરતા દેખાય છે. સામે પક્ષે ભાજપે વીતેલા પાંચ વર્ષ દરમિયાન ધારાસભ્યની કામગીરી નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી પ્રસિધ્ધિ માટે આવા ષડયંત્ર કરાતા હોવાનો એક વધુ આક્ષેપ કરી દીધો હતો.

વર્તમાન ધારાસભ્ય સંતોકબેને હુમલો થયો અને એ ભાજપના લોકોએ કર્યો હોવાનું જણાવી આવા હુમલાથ રડવા કે વિચલીત ન થવા કાર્યકરોને હાકલ કરી હતી. કચ્છના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓ રાજકીય ‘લક્ષ્મણરેખા’ ઓળંગી રહ્યા હોવાથી પોલીસ સતર્ક નહીં રહેતો આ ચૂંટણી કચ્છ પર એક રાજકીય કલંક લગાવી જાય તેવી દહેશત પણ જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે.

ખડીરના અગ્રણીએ મધ્યસ્થી કરતાં ફરિયાદ ટળી
આ બાબતે ભચુભાઇ આરેઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે નરેન્દ્રદાન ગઢવીએ આવું નહીં થાય તેવી ખાત્રી આપી ભલામણ કરતા ફરિયાદ નથી નોંધાવી. આ અંગે જનાણના અગ્રણી નરેન્દ્રદાન ગઢવીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બનાવ બન્યો છે પણ મારામારી કરનારા કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી પરંતુ અાવારા તત્વો છે. જો પોલીસ ફરિયાદ થાય તો રાજકારણ, ખડીર અને અમારો વિસ્તાર બદનામ થાય અેટલે મેં માત્ર સમાધાનની ભૂમિકા ભજવી છે. જોકે મારામારી ધારાસભ્યના ડ્રાઇવરે કરી છે અને કથીત હુમલો કરનારના હાથે પણ ઇજા થઇ છે જેની ફરિયાદ પણ નોંધાવાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...