ધણીધોરી વગરના આરોગ્ય ખાતામાં અગાઉ ગાડીઓના કિલોમીટર વધારીને કોન્ટ્રાકટર દ્વારા ભ્રસ્ટાચાર આચરવામાં આવતો જોકે હવે તો ગાડીઓ જ ના મોકલીને સીધા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને સરકારને ધૂમ્બો પહોંચાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે કારણ કે, મહિનો થવા છતાંય રાપર તાલુકામાં આરબીએસકે કાર્યક્રમ અંતગત વાહનો મુકાયા જ નથી.સ્ટાફ દ્વારા માત્ર ઘરે બેઠા જ કામગીરી દર્શાવી દેવાય છે જોકે જિલ્લા આરોગ્ય અધિકારી સમગ્ર બાબતે અજાણ રહેતા અનેક તર્કવિતર્ક ફેલાયા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તા. 6/2/2023 થી એન.કે.ઠક્કરને રાપર તાલુકા ખાતે આરબીએસકે તથા તાલુકા હેલ્થ ઓફીસ માટે છ વાહન તેમજ સીએચસીયુ માટે બે વાહનનો પૂરા પાડવા પત્ર કરાયો છે.પરંતુ આજ દિન સુધી પાર્ટી દ્વારા વાહન રજૂ કરાયું જ નથી જેના કારણે આરબીએસકેની રાપર તાલુકાની કામગીરી તારીખ 7 થી સંપૂર્ણપણે ઠપ્પ છે.
આ કામગીરીનું રોજેરોજ જિલ્લા કક્ષાએ મોનિટરિંગ થતું હોય છે પરંતુ વાહન ન હોવાના કારણે લાંબા સમયથી કામગીરી ઠપ્પ થવા છતાં ઉપલી કચેરીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને વાહન મંજૂર થયેલ પાર્ટીને કોઈ નોટિસ કે ખુલાસો પણ જાણવામાં આવ્યો નથી.સૂત્રોના મતે એન.કે.ઠક્કરના પુત્ર ભાવિન સરકારી તબીબ છે અને ગાંધીધામ તાલુકા ખાતે ફરજ બજાવે છે વાહન રજૂ ન કરવા છતાં કોઈ કડક પગલાં લેવાયા નથી તે હકીકત છે.
ભચાઉમાં તો નેનો ગાડી ચલાવાય છે !
સરકારી તંત્ર કેટલું લોલમલોલ ચાલે છે તેનું ઉદાહરણ ભચાઉમા છે કારણકે અહીં મંજુર વાહનોની સામે ત્રણ નાની નેનો ગાડી ચલાવીને સરકારને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે.આરોગ્ય ખાતામાં આચરાતા કૌભાંડમાં સચોટ તપાસ થાય તો અનેક તબીબોના પગ તળે પણ રેલો આવે તેમ છે.
જિલ્લા આરોગ્ય અધિકારીને ખબર જ નથી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રવીન્દ્ર ફુલમાલીને પૂછતાં તેમણે રાપર તાલુકામાં આરબીએસકેમાં ક્યારે અને કોને કોન્ટ્રાકટ મળ્યો છે તે બાબતે અજાણતા બતાવી હતી.જોકે તેમની સહીથી જ કોન્ટ્રાકટ મંજુર થતા હોય અને ઓર્ડર કરવામાં આવતા હોય છે એક મહીનાથી રાપર તાલુકામાં આરબીએસકે પાસે વાહનો ન હોય અને અધિકારી અજાણ હોય તે વાતે સવાલો ઉભા કર્યા હતા.
તંત્રમાં જવાબદારીની ફેંકાફેક શરૂ
ભચાઉ ટીએચઓ ડૉ. નારાયણસિંઘને પૂછતા તેમણે નેનો ગાડી મુદ્દે ચુપકિદી સેવી હતી અને આંબરડી,જંગી, કટારીયા, મનફરા પીએચસીમાં ગાડીના હોવાના કારણે કામગીરી બંધ હોવાની વાતને સમર્થન આપ્યું હતું તો રાપર ટીએચઓનો સંર્પક થઈ શક્યો ન હતો.જિલ્લા આરોગ્ય ખાતામાં ડીપીસી તરીકે હંગામી ફરજ બજાવતા ભંવર પ્રજાપતિને પૂછતાં પોતે ગાંધીનગરના અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.