રજૂઆત:રાપરમાં મુખ્ય અધિકારીના ફતવા સામે પાલિકાના હોદ્દેદારોએ બાંયો ચડાવી

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઇના દાખલા આધારે દસ્તાવેજો ન કરવાનો નિર્ણય
  • ખુદ નગરપાલિકા પ્રમુખે જ કચ્છ કલેક્ટરને કરી રજૂઆત

રાપર પાલિકામાં આવેલા નવા ચીફ ઓફિસરના મનસ્વી નીતિ-નિયમો મામલે સુધરાઇ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ બાંયો ચડાવી છે.

રાપર સબ રજિસ્ટ્રારને તા.8/4ના પાલિકાના વેરા ભરવા બાબતે ગામતળના દસ્તાવેજ ન કરવા ચીફ અોફિસરે પત્ર લખ્યો હતો, જેના કારણે છેલ્લા બે મહિનાથી શહેરના દસ્તાવેજો અને મહત્વના કામો અટકી ગયા હતા. વધુમાં પાલિકાને થતી આવક પણ મહદઅંશે અટકી જતા રાપર પાલિકાના પ્રતિનિધિ મંડળે આ બાબતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓને રજુઆત કરી હતી. ગુરૂવારે રાપર પાલિકા પ્રમુખ અમરતબેન વાલજી વાવિયા દ્વારા પાલિકાના લેટરપેડ પર કચ્છ કલેકટરને રજુઆત કરાતાં ચીફ ઓફિસર અને પાલિકાના સતાધીશો વચ્ચેનો અણબનાવ સામે આવ્યો હતો.

કલેક્ટરને કરાયેલી રજૂઆત મુજબ સબ રજિસ્ટ્રાર રાપરને પાલિકાના દાખલાના આધારે દસ્તાવેજો ન કરવા જણાવ્યું હતુ, જેથી શહેરમાં સિટી સરવે થયેલા ન હોઇ, ગામતળની મિલકતો રેવન્યૂ રેકર્ડમાં દાખલ થયેલી ન હોવાથી છેલ્લા 2 માસથી દસ્તાવેજોનું કામ અટકી પડ્યું છે. શહેરમાં સિટી સરવેની કામગીરી 2018માં થયેલી છે પણ તે હજુ સુધી અમલમાં આવી નથી. શહેરના ગામતળના દસ્તાવેજો ન થવાના કારણે વહીવટ અટકી પડ્યો છે.

ગામતળના દસ્તાવેજો ચીફ ઓફિસર દ્વારા ટ્રાન્સફર ન થવાના કારણે વેરાઓમાં પણ આર્થિક નુકસાની ભોગવવી પડી છે. સિટી સરવેની કામગીરી સમયસર ચાલુ ન થાય ત્યાં સુધી સબ રજિસ્ટ્રારને પાલિકાના મિલકતના ઉતારાના દાખલાના આધારે તાત્કાલિક દસ્તાવેજો ચાલુ કરવા, ચીફ ઓફિસરને આવેલા દસ્તાવેજો મુજબ મિલકતો દાખલ/ટ્રાન્સફર માટે આદેશ કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...