ભાસ્કર એક્સપોઝ:રાપરમાં શિક્ષકોના હાયર ગ્રેડ કેમ્પમાં મહત્ત્વની કામગીરી કરવા માટે સજા અને બદલી પામેલા શિક્ષકોને બોલાવાતાં તર્ક વિતર્ક

રાપર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા 5-5 હજારના ઉઘરાણાનો આક્ષેપ
  • જુગાર રમતા ઝડપાયેલા બંને શિક્ષકોને ભ્રષ્ટાચાર આચરવા માટે બોલાવાયા હોવાનો શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૂત્રોએ મૂક્યું આળ

સોમવારે શિક્ષક દિવસે જ રાપરમાં યોજાયેલા શિક્ષકોના હાયર ગ્રેડ પેના કેમ્પમાં છ માસ પહેલાં કચ્છમાંથી છૂટા કરાયેલા તેમજ જુગાર રમતા રંગે હાથ ઝડપાયેલા રાપર શિક્ષક સંઘના મંત્રી ઉપરાંત તાલુકાના અન્ય એક ગામમાં બેદરકારી દાખવવા બદલ ફરજ મોકૂફ કરાયેલા અને તેઓ પણ જુગટું રમતાં પકડાયેલા એક શિક્ષકને સેવાપોથી ચકાસવા સહિતની મહત્વની કામગીરી સોંપાતાં તર્ક-વિતર્ક ઉઠ્યા હતા. શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૂત્રોએ કરેલા આક્ષેપો મુજબ સ્થાનિકે કોઇને આ જવાબદારી ન સોંપીને ખરડાયેલી છબિ ધરાવતા બંને શિક્ષકોને ભ્રષ્ટાચાર આચરવા માટે બોલાવાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે વર્ષ 2013માં ભરતી થયેલા શિક્ષકોને નવ વર્ષ પુરા થતાં તેમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું જેમા 115થી વધુ શિક્ષકો પોતાની સેવા પોથી લઈને ઉપસ્થિત થયા હતા.

શિક્ષકોએ રજૂ કરેલા કાગળોની ચકાસણી કરવા માટે હાલે બનાસકાંઠાના થરમાં ફરજરત તેમજ અગાઉ તાલુકાના શાણપરમાં નોકરી કરી ચૂકેલા, જુગાર રમતા પકડાઈ ગયેલા શિક્ષક સંઘના જૂના મંત્રી ગણપત ડાભાણી તેમજ તાલુકાના એક ગામમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયેલા તથા જુગારમાં પકડાઈ ગયેલા શિક્ષક રોહિત ચૌધરીને આવી મહત્વની કામગીરી સોંપાતા શિક્ષક આલમમાં તરેહ તરેહની વાતો ઉઠી હતી.

શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે હાયર ગ્રેડમાં ઉપર નામ મુકવા માટે બંને શિક્ષકો દ્વારા પાંચ-પાંચ હજારના ઉઘરાણા કરાયા હતા. થરા બદલી પામેલા શિક્ષક ડાભાણી આવા ઉઘરાણા કરવામાં માહેર હોઈ તે માટે જ ખાસ બોલાવાયા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ શિક્ષકે કેટલાક શિક્ષકોની મહત્વની સેવા પોથી પોતાની પાસે રાખી હતી અને પોતે થરા જઈને તપાસ કરશે તેવું કહ્યું હતું. જોકે કેમ્પમાં 100થી વધુ શિક્ષકોનો હાયર ગ્રેડ માટેની યાદીમાં સમાવેશ કરાયો હતો. આવા કેમ્પોમાં શિક્ષક સંઘના સભ્યોને પણ કામગીરી સોંપવાની હોય છે પરંતુ સંઘના કોઈ શિક્ષકને ન બોલવાતાં તર્ક વિતર્ક ઉઠ્યા હતા.

શિક્ષક સ્વેચ્છાએ આવ્યા હતા, બનાવની તપાસ કરાશે: તંત્ર
આ બાબતે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ રબારીને પૂછતાં તેમણે ગોળ ગોળ વાતો કરીને જણાવ્યું હતું કે થરા બદલી થયેલા શિક્ષક અહીં સ્વેચ્છાએ કામગીરીમાં જોડાયા હતા. જો કે, તેઓ આમ કરી શકે કે કેમ તેવા સવાલનો તેમણે ફોડ પાડ્યો ન હતો. બીજી બાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિનો સંપર્ક સધાયો ત્યારે તેમણે આ બાબતની જાણકારી ન હોઈ તપાસ કરશે તેવું જણાવ્યું હતું.

‘મને શિક્ષણાધિકારીએ બોલાવ્યો હતો’
શાણપરથી છ મહિના પહેલા બદલી પામેલા અને હાલ થરા સ્કૂલ ખાતે ફરજ બજાવતા ગણપત ડાભાણીએ જણાવ્યું હતું કે તેમને રાપર ટીપીઓએ બોલાવ્યા હતા. અહીં કોઈ હાયર ગ્રેડની કામગીરી વિશે જાણતું ન હોઈ પોતે શિક્ષણાધિકારીના કહેવાથી મદદ કરવા માટે આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...