રાપર તાલુકામા પંચાયત વિભાગ દ્વારા બનાવાયેલા આડેસરથી નાંદાને જોડતા 12 કિલો મીટરના રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચારયો હોવાનો આક્ષેપ કરતા નાંદાના માજી સરપંચે રસ્તાના કામની યોગ્ય તપાસ નહીં થાય તો ગ્રામજનોને સાથે રાખી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
નાંદા અને આડેસર વચ્ચે કચ્છનું નાનું રણ હોઈ ભારે વરસાદમા નાંદા ગામ તાલુકાથી વિખુટું પડી જાય છે. ઉકેલ રૂપે બે કરોડના ખર્ચે આડેસરથી નાંદા ગામનો રોડ છેલ્લા દસ દિવસથી બનાવાઇ રહ્યો છે પણ કામમા ઈજનેરો અને કોન્ટ્રાકટરો દ્વારા ગેરરીતિ આચરીને કોઈપણ જાતનું પેચિંગ કે કાંકરી કે પથ્થર નાખ્યા વગર અને લેવલિંગ વિના હયાત રોડ ઉપર એક થી દોઢ ઇંચ જેટલો માત્ર કોરો ડામર પાથરીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો છે તેવો આક્ષેપ નાંદા -બામણસરના માજી સરપંચ કરીમાબેન આમદભાઈ સમેજા તથા નાંદા ગ્રામજનોએ કર્યો હતો.
કામ શરુ નહોતું થયું ત્યારે માજી સરપંચે પંચાયત વિભાગ તથા માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી, કચ્છ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના પાસે ટેન્ડર વિશે, કામ કોને અપાયું, એસ્ટિમેટ, રોડની જાડાઈ, રોડમાં પથ્થર પાથરવાના છે કે કેમ તેની વિગતો માગી હતી. આ બાબતે રાપર પંચાયત વિભાગના ઈજનેર ટાંકનો ફોન ઉપર સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો પણ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.