બનેવીને મુઢમાર માર્યો:રામવાવમાં હત્યાના ઇરાદે અપહરણ કરાયેલા યુવાનને પોલીસે બચાવ્યો

રાપર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 સાળા સહિત 5 વિરૂધ્ધ ફોજદારી : પ્રેમલગ્ન કારણભૂત

રાપર તાલુકામાં દિકરી સાથે પ્રેમ લગ્ન કરનાર જમાઇનું અપહરણ કરી બંધક બનાવી રૂ.20 હજારની લૂંટને અંજામ અપાયો હોવાની ઘટના રાપર પોલીસ મથકે નોંધાઇ છે. રાપર પોલીસની સતર્કતાએ આજે એક યુવકનો જીવ બચાવ્યો છે. બહેન જોડે કરેલાં પ્રેમલગ્નનો ખાર રાખી ચાર ભાઈઓએ મારી નાખવાના ઈરાદે બનેવીને મુઢ માર મારી, અપહરણ કરી ઘરે લઈ જઈ હાથ-પગને રસ્સા વડે બાંધી દીધા હતા. જો કે, પોલીસે દોડધામ કરીને બંધક બનેલાં યુવકને મુક્ત કરાવ્યો હતો.

રાપરના પીછાણા વાડીવિસ્તારમાં રહી મજૂરીકામ કરતાં 25વર્ષિય દેવજી બાબુભાઈ કોલીએ ગત નવેમ્બર 2021માં ત્રંબૌના મોહન દલા કોલીની દીકરી નયના જોડે પ્રેમલગ્ન કર્યાં હતા. નયનાએ પરિવારજનોની મરજી વિરૂધ્ધ દેવજી જોડે પ્રેમલગ્ન કર્યાં હતા. આજે રામવાવમાં મેળો યોજાયો હોઈ દેવજી મોટર સાયકલ લઈ મેળે મહાલવા ગયો હતો. મેળે મહાલીને બપોરે દોઢ વાગ્યે તે ઘરે પરત ફરતો હતો ત્યારે રામવાવ ચોકડીએ અગાઉથી કાવતરું રચીને આવેલાં તેના ચાર સાળાએ તેને અટકાવી મુઢ માર માર્યો હતો.

‘તું મેળે ફરવા આવવાનો છે તે અમને ખબર હતી એટલે અમે બધાં તને ઉપાડી જઈને પતાવી દેવાનું નક્કી કરીને આવ્યાં છીએ’ કહી સાળાઓએ જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ ચારે જણ દેવજીને પરાણે તેમની મોટર સાયકલ પર વચ્ચે બેસાડીને અપહરણ કરી તેમના ઘરે લઈ ગયાં હતા. ત્યાં દેવજીનો સસરો મોહન કોલી પણ હાજર હતો. તમામ આરોપીઓએ દેવજીના હાથ પગ રસ્સા વડે બાંધી દઈને તેને ફરી માર મારવાનું શરુ કર્યું હતું બીજી તરફ, મેળામાં બંદોબસ્તમાં રહેલાં જમાદારને ફોન પર કોઈકે જાણ કરી હતી કે રામવાવ ચોકડીએ એક યુવકને માર મારી તેનું અપહરણ કરાયું છે.

આ બાબત અંગે જાણ થતાં જ પીઆઈ વી.કે. ગઢવી સહિતનો પોલીસ કાફલો યુવકને શોધવા નીકળી પડ્યો હતો. આરોપીઓ દેવજીને બંધક બનાવીને માર મારતાં હતા તે સમયે જ પોલીસ આવી ચડતાં તેઓ નાસી ગયાં હતા. પોલીસ દેવજીને મુક્ત કરાવી પોલીસ મથકે લઈ આવી હતી. દેવજીએ તેના સસરા મોહન દલા કોલી અને ચાર સાળા નીલાભાઈ, દયાલ, તુલસી અને ધીરુ વિરૂધ્ધ રાપર પોલીસ મથકે કાવતરું રચી અપહરણ કરી માર મારવાની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ દેવજીના ગળામાં રહેલો સોનાના પેન્ડેન્ટવાળો દોરો અને મોટર સાયકલ લઈ ગયાં હોઈ પોલીસે લૂંટની કલમ પણ ઉમેરી છે.

અન્ય સમાચારો પણ છે...