કચ્છના TET અને TAT પાસ સ્નાતકો તેમજ શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થાનિક કક્ષાએ ભરતી થાય તે માટે KUTCH TAT ગ્રુપ દ્વારા કચ્છના સાંસદ, તમામ ધારાસભ્યો અને રાજકીય પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સરકારી શાળામાં લોકલ ફોર વોકલના ધોરણે સ્થાનિક ભરતી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વર્ષો અગાઉ 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં બાલગુરૂ તરીકેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેમાં સ્થાનિક ભરતી કરવામાં આવી હતી. શિક્ષકોની કાયમી ઘટની સમસ્યાને સ્થાનિક ભરતી દ્વારા કાયમી ધોરણે ઉકેલી શકાય તેમ છે.
જિલ્લા પંચાયત દ્વારા પણ આ બાબતે ઠરાવ કરીને સ્થાનિક ભરતી બાબતે હકારાત્મક વલણ અપનાવ્યું છે. જેને લઇને રાજ્ય સરકાર પાસે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવશે. કચ્છમાં શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ લોકલ ફોર વોકલના ધોરણે TET અને TAT પાસ ક્વોલિફાઈડ કચ્છી સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે માટે કચ્છના રાજકીય નેતૃત્વથી લઈ રાજ્ય અને કેન્દ્રમાં ગૃહપ્રધાન અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆતો કરવામાં આવી છે.
કચ્છ TAT ગ્રુપે દર રવિવારે ઓનલાઇન અને ઓફલાઇન બેઠકો દ્વારા આયોજન અને નીતિ બનાવી, કચ્છના શિક્ષણને ન્યાય મળે તે માટે રજૂઆતોનો દોર સતત ચાલુ રાખ્યો છે. આ માટે જિલ્લાના દસે દસ તાલુકામાં પ્રમુખો, તાલુકાના સભ્યોનું માળખું અને તાલુકાના ગ્રુપો બનાવવામાં આવ્યા છે. દરેક તાલુકામાં સ્થાનિક સભ્યો દ્વારા લોકલ ફોર વોકલની દ્રષ્ટિએ કચ્છને સ્થાનિક ભરતી મળે તે માટે સ્થાનિક સમર્થન પણ મેળવવામાં સારી એવી સફળતા પ્રાપ્ત થયેલી છે. કચ્છ જિલ્લા ટેટ ગ્રુપના પ્રમુખ તખતસિંહ બી સોઢા, મંત્રી કિશોરભાઈ એ. હેડાઉ અને માર્ગદર્શક વનરાજસિંહ એચ.જાડેજાએ માગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.