‘વ્યકિતમાં રહેલી કલા-કૌશલ્યતાને ઉજાગર કરવું એ ઉમદા કાર્ય છે. કલાના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનું માધ્યમ એ કાર્યશાળા છે.’ તેવું કાંતિસેન શ્રોફના શતાબ્દી વર્ષ અને કચ્છના ગૌરવવંતા સાક્ષર ડો.જયંત ખત્રીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી ચિત્રકલા કાર્યશાળાના શુભારંભે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના એમ.ડી. દિપેશભાઈ શ્રોફએ જણાવીને કાકા અને ડો. જયંત ખત્રી વચ્ચેના મૈત્રીના સંભારણાને ચાદ કર્યા હતા.
વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટ અને ડો.જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા ‘સંસ્કૃતિ’,ભુજ દ્વારા મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયમાં વોજાયેલી આ કાર્યશાળાનો શુભારંભ કિરીટભાઈ દવેના હસ્તે દિપ પ્રાગટયથી કર્યા બાદ ગોરઘન પટેલ’કવિ’એ ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, કાકા અને ડો. ખત્રીમાં ચિત્રકલાનો શોખ સમાન રીતે હતો.
મંચ પરથી વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ જણાવ્યું હતું કે, જયંત ખત્રી અને કાકાની મિત્રતા ચિત્રના માધ્યમથી થઈ હતી. ડો. ખત્રી પેન્સીલ ચિત્રો, છાપા ચિત્ર, કોતરેલા ચિત્રો બનાવતા અને તેઓ ભણતા ત્યારે મેગેઝીનમાં વાર્તા ચિત્રો દોરવાનું શરૂ કર્યું હતું તેમ જણાવીને ડો. ખત્રી અને કાકા વચ્ચેના મૈત્રીના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે માર્ગદર્શક બિપીન સોની અને પુષ્પદાન ગઢવીનું મંચ પરથી સન્માન કરાયું હતું.
કાર્યશાળાની સમાંતરે ડો. ખત્રીએ દોરેલ તેમજ એલ.એલ.ડી.સી.,ભુજોડીના સહયોગથી કાકાએ દોરેલ ચિત્રોનું પ્રદર્શન બહોળી સંખ્યામાં નગરજનોએ નિહાળ્યું હતું. સંસ્કૃતિના મંત્રી ઝવેરીલાલ સોનેજીએ સૌનો આભાર માન્યો હતો. કાર્યશાળાની સમાપન બેઠકમાં તજજ્ઞ બિપીન સોનીએ જણાવ્યું હતું કે, બાળકો પોતાના વિચારો, મનોભાવ અને શકિતઓથી નવું સર્જન કરીને ચિત્ર પર ખાસ ધ્યાન આપે તો ચિત્રકલામાં નિપુણ બની શકે.
મહેશ ગોસ્વામીએ આયોજક બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. વાલીઓ વતી ચારૂલતા સંઘવી અને બાયડ મહમદહુશેન, શિબિરાર્થીઓ વતી સૌમ્ય મહેશ્વરીએ પ્રતિભાવ આપ્યા હતા. ભાગ લેનાર 32 શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. શિવદાસભાઈ પટેલ, સંજય ઠાકર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, ગૌતમ જોધી, કૃષ્ણકાંત ભાટીયા, નિરૂપમ છાયા, રસનિધી અંતાણી, રમણીક સોમેશ્વર, હંસાબેન ભીંડી, ભગીરથ ધોળકિયા અને ચિત્રકાર નવીન સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.