પસંદગી:પ્રેરણા એવોર્ડ માટે કચ્છના 180 વિદ્યાર્થીની કૃતિ રાજ્ય સ્તરે પસંદગી માટે મોકલાઇ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 1 લાખ નવા વિચારોની થાય છે પસંદગી : વિજેતાને પુરસ્કાર અપાશે

INSPIRE AWARD MANAK વર્ષ 2022-23 અંતર્ગત કચ્છ જિલ્લાની 180 કૃતિઓની પસંદગી થઈ છે. જે કોરોના કાળ બાદ છેલ્લા ત્રણ વર્ષની મહત્તમ નોમિનેશન છે. આ વિદ્યાર્થીઓની કૃતિઓ પૈકી જે કૃતિઓ રાજ્યકક્ષાએ પસંદગી પામશે તેને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે અને 10,000 રૂપિયાનો પુરસ્કાર વિજેતાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. કચ્છની 17 શાળાઓ રાજ્યકક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહી છે. INSPIRE AWARD MANAK એક રાષ્ટ્રીય સ્પર્ધા છે. જેનું આયોજન ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા (NIF) દ્વારા કરવામાં આવે છે.

આ સ્પર્ધામાં ધોરણ 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શાળાના ધોરણ 6 થી 10માં અભ્યાસ કરતા 10-15 વર્ષની વય જૂથ ધરાવતા બાળકોમાં સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વિજ્ઞાન અને સામાજિક કાર્યક્રમોમાં 10 લાખ મૂળ વિચારો/નવીનતાઓને લક્ષ્ય બનાવવાનો છે.આ સ્પર્ધામાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ શાળાકક્ષાએ તેમના શિક્ષક કે આચાર્યને તેમના નવા વિચારો જમા કરાવે છે. શાળાકક્ષાએથી પાંચ નવીનતમ વિચારોની પસંદગી થાય છે અને INSPIRE AWARD MANAK ની વેબસાઈટ પર શાળાની ID થી તેને નોમિનેટ કરવામાં આવે છે.

આ રીતે દેશભરમાંથી સર્વશ્રેષ્ઠ એકલાખ નવા વિચારોને પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓએ તેમના વિચારનું મોડેલ બનાવવાનું રહે છે જેને જિલ્લાકક્ષાના પ્રદર્શનનું ભાગ બનવાનું હોય છે. તેમાંથી શ્રેષ્ઠ 10% વિચારો રાજ્યકક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. રાજ્યકક્ષાએ એના 10% શ્રેષ્ઠ વિચારો પસંદ તેઓ રાષ્ટ્રીયકક્ષાએ પ્રદર્શનમાં ભાગ લે છે.

રાષ્ટ્રીયકક્ષાએ કુલ 60 વિચારો પસંદ થાય છે જેમને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત Festival of Innovation માં પ્રસ્તુત કરવામાં આવે છે.આ તૈયાર થયેલા મોડેલોનું મૂલ્યાંકન એ વિચારોની નવીનતા, સામાજિક ઉપયોગીતા, વ્યવહારિકતા, અને પર્યાવરણની અનુકૂળતા ને આધારે કરવામાં આવે છે. સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત ડાયટ ભુજના પ્રાચાર્ય એસ.પી.ઠાકર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા આ પ્રોજેક્ટના સંયોજક તરીકે ડાયટ ભુજના લેક્ચર એ.પી. સુથાર અને સહસંયોજક તરીકે એ.જે. સુમરાએ કામગીરી બજાવી છે.

અન્ય સમાચારો પણ છે...