સવેતન રજા:1 લી ડિસેમ્બરે મતદાનના દિવસે શ્રમજીવીઓને સવેતન રજા મળશે

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરીદાતા નિયત જોગવાઇથી વિરૂધ્ધ વર્તન કરશે તો કરાશે કાર્યવાહી

1લી ડિસેમ્બરે કચ્છના વિવિધ કારખાના, સંસ્થા, કંપનીઅોમાં નોકરી કરતા લોકોને મતદાન માટે રજા અાપવાની રહેશે અને તે માટે સંબંધિત કર્મચારીઅોના પગારમાંથી કપાત કરી શકાશે નહીં. તા.1-12-22ના જિલ્લાના 6 બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાત દુકાનો અને સંસ્‍થા અધિનિયમ, કારખાના અધિનિયમ, બિલ્ડિંગ અને અધર કન્‍સ્‍ટ્રકશન વર્કસ એકટ, કોન્‍ટ્રાકટર લેબર એકટ હેઠળ નોંધણી થયેલી સંસ્‍થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. અન્ય જિલ્લાઓમાં તા.5/12/22ના મતદાન હોઇ જે જિલ્લાના શ્રમયોગીઓને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તે તારીખે રજા આપવાની રહેશે.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શકયતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન સંભવ હોય તેવા કિસ્‍સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ, કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટે તેમની ફરજ સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્‍યાન 3થી 4 કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલિક કે, નોકરીદાતા અા જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

મતદાનના દિવસે અા સંબંધે કોઇ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, મદદનીશ શ્રમ આયુકત, ગાંધીધામ-કચ્છનો ફોન નં.02836-231312 અથવા તો મદદનીશ શ્રમ આયુકતની કચેરી, ડી-15, શકિતનગર, જૂની સુંદરપુરી બસ સ્ટોપ પાસે, ગાંધીધામ-કચ્છનો સંપર્ક કરવા જણાવાયું છે.

વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તા.1-12ના કોઇ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય અને તેઓ લોકશાહી મહાપર્વમાં સહભાગી બની શકે તે માટે જિલ્લાના કારખાના, કંપની, સંસ્થાઓમાં નોકરી કરતા મજૂરોને માલિકે મતદાન માટે રજા આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...