વર્ષ 2012માં શરૂ થયેલા ભચાઉ ભુજ 4 માર્ગીય ધોરીમાર્ગ નિર્માણ અંતર્ગત આવતા ભુજોડી રેલવે ઓવરબ્રિજનું કાર્ય અંતે એક દશક જેટલા લાંબા સમય બાદ પરિપૂર્ણ થયું હતું. જેને આજે ગુરૂવારે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય અને માર્ગ અને મકાન વિભાગ તથા વાહન મંત્રી પૂર્ણશ મોદીના હસ્તે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છને જિલ્લા મથક ભુજ સાથે જોડતા અતિ મહત્વના 1.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા ઓવરબ્રિજના લોકાર્પણથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભુજથી 7 કિલોમીટર દૂર ભુજોડી રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ રાજ્યમાં સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. એવા બ્રિજ સાથે દેશના તમામ લોકો વિકાસના સહભાગી હોવાનું લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રી પૂર્ણશ મોદીએ કહ્યું હતું. જો કે આ જ બ્રિજની સાથે શરૂ કરાયેલા ભચાઉ-લોધીડા રેલવે ઓવરબ્રિજનું કાર્ય હજુ પણ નિર્માણાધિન છે.
વર્ષ 2012માં શરૂઆત પામેલા ભુજોડી ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં અનેક બાધાઓ આવ્યા બાદ તેનું કામ ખોરંભાતું રહ્યું છે. જેના નિર્માણમાં ઝડપ લાવવાની તાકીદ પણ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને કરવી પડી હતી. છેલ્લા બે વર્ષથી અમદાવાદની આજેય પ્રોપેટ પ્રા. લી. કંપની દ્વારા કાર્ય હાથ ધર્યા બાદ ઓવરબ્રિજના કાર્યમાં ઝડપ આવ્યા બાદ અંતે પરિપૂર્ણ થયો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન અહીંથી પસાર થતા લાખો લોકોને ટ્રાફિકજામ સહિતની સમસ્યાથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો, જેમાં ચોક્કસથી હવે રાહત મળી જશે.
વિશેષ પેરામેશ વોલ સાથે 17 મીટરની ઊંચાઈ ધરાવતા 4 માર્ગીય ભુજોડી ઓવરબ્રિજનું લોકાર્પણ આજે ગુરૂવારે વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન રાજ્ય મંત્રી પુર્ણેશ મોદી, પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજૂલાબેન ભંડેરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, કલેક્ટર પ્રવીણા ડી.કે., પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નાયબ કલેક્ટર ચાંપલોત તથા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મહાનુભાઓએ માર્ગ નિર્માણ અંગેની તક્તિનું અનાવરણ કર્યા બાદ બ્રિજ પર પગપાળા ચાલી નિરક્ષણ પણ કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે આ ઓવરબ્રિજ કચ્છના વિકાસમાં એક નવો અભિગમ બની રહેશે એમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.